ઇન્ડિયન પેસરોમાં ફેરફાર કરવાની વિરાટ કોહલીએ કરી આગાહી

04 March, 2020 12:12 PM IST  |  Christchurch

ઇન્ડિયન પેસરોમાં ફેરફાર કરવાની વિરાટ કોહલીએ કરી આગાહી

વિરાટ કોહલી

ઇન્ડિયન પેસરોની વાત કરીએ તો યુવા પેસરોમાં જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલરોમાંનો એક ગણાઈ રહ્યો છે. બુમરાહને બાદ કરતાં ટીમમાં ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની ત્રિપુટીને પણ સૌથી સફળ પેસરોમાં સામેલ કરવામાં આવે છે છતાં આ ત્રિપુટીની ઉંમર અનુક્રમે ૩૨, ૨૯ અને ૩૩ વર્ષની હોવાને કારણે આગામી દિવસોમાં ટીમ ઇન્ડિયા નવા પેસરોની ટુકડી તૈયાર કરશે એ સ્વાભાવિક છે અને તાજેતરમાં વિરાટ કોહલીએ એ બાબતે અણસાર પણ આપ્યો છે.

આ વિષયે વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘આ ત્રણેય પ્લેયરો પહેલા જેવા યુવાન નથી રહ્યા અને એ વાતને સ્વીકારીને આપણે આગ‍ળ વધવાની જરૂર છે અને તેમના વિકલ્પરૂપે નવા પેસરો તૈયાર કરવાના છે. અમે એ દિશામાં શક્ય એટલું જલદી કામ કરીશું. અમારે હવે એ જોવાનું છે કે એ કયા ત્રણ-ચાર પેસર છે જે આવનારા દિવસોમાં ઇન્ડિયન ટીમને લીડ કરવાના છે. અમારે ખૂબ ધ્યાનથી આ કામ કરવું પડશે જેથી અગત્યનો કોઈ ખેલાડી બહાર ન રહી જાય. ક્રિકેટની ગેમમાં નાના-નાના ફેરફાર સતત થતા જ રહે છે અને તમારે એ વિશે સજાગ રહેવું જ પડે. કોઈ વ્યક્તિ પાસેથી તમે તેનું જીવન છીનવી નથી શકતા. તમારી પાસે જે-તે પ્લેયરનું બૅકઅપ હોવું જરૂરી છે. નવદીપ સૈની આ સિસ્ટમમાં આવી ગયો છે અને તેના સિવાય બીજા બે-ત્રણ પ્લેયરો પણ અમારા ધ્યાનમાં છે.’

કોહલીએ પ્રત્યક્ષ રીતે અન્ય કોઈ પ્લેયરનું નામ નથી લીધું. ફાસ્ટ બોલરોની શ્રેણીમાં હૈદરાબાદના મોહમ્મદ સિરાજ, કેરળનો સંદીપ વૉરિયર, મધ્ય પ્રદેશનો આવેશ ખાન અને બંગાળના ઈશાન્ત પોરેલને ભાવિ ઇન્ડિયન ટીમ માટે તૈયાર કરી શકાય.

ટિમ સાઉધીએ કર્યો વિરાટ કોહલીનો બચાવ

વિરાટ કોહલીના અગ્રેશનને લઈને ટિમ સાઉધી તેના બચાવમાં આવ્યો છે. બીજી અને અંતિમ ટેસ્ટ મૅચમાં કેન વિલિયમસનની વિકેટ પડ્યા બાદ જે રીઍક્શન કોહલીએ આપ્યાં હતાં એ ચર્ચાનો વિષય બન્યો હતો. મૅચ બાદ યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પુછાયેલા એક સવાલ પર કોહલીનું મગજ રિપોર્ટર પર વીફરી ગયું હતું. આ વિશે કોહલીનો બચાવ કરતાં સાઉધીએ કહ્યું કે ‘તે ઘણો પેશનેટ માણસ છે. ફીલ્ડ પર એનર્જીથી ભરપૂર હોય છે અને તે હંમેશાં પોતાનામાંથી બેસ્ટ બહાર લાવવાનો પ્રયાસ કરતો રહે છે.’

બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૨-૦થી વાઇટવૉશ થયા બાદ ભારત હવે ૧૨મીથી સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ભારતમાં રમશે.

virat kohli jasprit bumrah ishant sharma india new zealand test cricket cricket news sports news