વિરાટ કોહલી આ કિસ્સામાં બન્યા દોષી, ICCએ આપી સજા

23 September, 2019 06:46 PM IST  |  મુંબઈ

વિરાટ કોહલી આ કિસ્સામાં બન્યા દોષી, ICCએ આપી સજા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેંગ્લોરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં કંઈક એવું કર્યું કે ICCએ તેમને સજા આપી છે. વિરાટ કોહલીએ કરેલી હરકતના કારણે ICCએ તેમને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે દોષી જાહેર કર્યા છે. આ મામલે વિરાટ કોહલીને આઈસીસીએ સત્તાવાર રીતે ચેતવણી પણ આપી છે.

મળતી માહિતી પ્રમાણે વિરાટ કોહલી ICCના કોડ ઓફ કંડક્ટ લેવલ 1 તોડવા મામલે દોષી સાબિત થયા છે, જેને કારણે તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે. સાથે જ વિરાટ કોહલીને આઈસીસીએ સત્તાવાર ચેતવણી પણ આપી છે. વિરાટ કોહલીએ આઈસીસીની આચાર સંહિતાના આર્ટિક 2.12નો ભંગ કર્યો છે. જે મુજબ ખેલાડી મેચ દરમિયાન અમ્પાયર, અન્ય ખેલાડી, મેચ રેફરી કે કોઈ પણ વ્યક્તિને અનુચિત શારીરિક સ્પર્શ ન કરી શકે.

આ નિયમ તોડવાને કારણે કોહલીના રિપોર્ટમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે. સપ્ટેમ્બર 2016 બાદ વિરાટ કોહલીએ આવું ત્રીજી વખત કર્યું છે, જેને કારણ તેમના ખાતામાં ત્રીજો ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે. આ પહેલા વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા સામે જ 15 જાન્યુઆરી 2018ના રોજ રમાયેલી મેચમાં અને વર્લડ કપ 2019માં અફ્ઘાનિસ્તાન સામે રમાયેલી લીગ મેચમાં એક એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે.

આ ઘટના રવિવારની મેચમાં ત્યારે બની જ્યારે ટીમ ઈન્ડિયાની ઈનિંગની પાંચમી ઓવર ચાલતી હતી. ત્યારે વિરાટ કોહલીએ રન લેતા સમયે દક્ષિણ આફ્રિકાના બોલર બ્યૂરન હેન્ડ્રિક્સને ફિઝિકલી કોન્ટેક્ટ કર્યો હતો. વિરાટ કોહલીએ આ આરોપ સ્વીકાર્યો છે અને ICCની એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડ્ઝે કહ્યું છે કે હવે આ મામલે કોઈ સુનાવણી નહીં થાય.

આ પણ વાંચોઃ ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

મેદાન પરના અમ્પાયર નીતિન મેનન અને સી. કે. નંદન, થર્ડ અમ્પાયર અનિલ ચૌધરી તેમજ ફોર્થ ઓફિશિયલ શમસુદ્દીને વિરાટ કોહલી પર ચાર્જ લગાવ્યા હતા. તમને જણાવી દઈકે આઈસીસીની આચાર સંહિતા લેવલ એક તોડવા માટે ઓછામાં ઓછી સજા તરીકે સત્તાવાર ચેતવણી અને 50 ટકા મેચ ફીનો દંડ થાય છે.

virat kohli sports news cricket news international cricket council