07 October, 2025 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને વિરાટ કોહલી
વન-ડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને અનુભવી ક્રિકેટરો રોહિત શર્મા અને વિરાટ કોહલીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ મળી રહી છે. ૩૮ વર્ષના રોહિત શર્મા અને ૩૬ વર્ષના વિરાટ કોહલીની જેમ ફૅન્સ પણ તેમને આગામી વન-ડે વર્લ્ડ કપમાં રમતા જોવા માગે છે, પરંતુ ટીમ મૅનેજમેન્ટની યંગ પ્લેયર્સને વધુ સિલેક્ટ કરવાની નીતિને કારણે ઑસ્ટ્રેલિયા ટૂર આ બન્ને માટે કરીઅરનો અંત હશે એવા અહેવાલ પણ મળી રહ્યા છે.
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું છે કે ‘રોહિત અને વિરાટ 2027નો વર્લ્ડ કપ રમવા માગે છે, પરંતુ રમત માટે ફિટનેસ તેમના માટે એક મોટો પડકાર હશે. રોહિતે તેની ફિટનેસ પર સારી રીતે કામ કર્યું છે. તે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તેઓ નિયમિત ક્રિકેટ નથી રમતા તો બન્નેને રમતમાં થોડો સમય વિતાવવો પડશે. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. તેઓ મોટા પ્લેયર્સ છે અને શું કરવું એ જાણે છે. તેમની પાસે દુનિયાનો બધો અનુભવ છે. જોકે તેઓ T20 ઇન્ટરનૅશનલ મૅચ પણ રમી રહ્યા નથી તેથી મોટા વર્લ્ડ કપ પહેલાં તેઓ જે થોડી મૅચ રમે છે એમાં નોંધપાત્ર અંતર હશે. તેમને ફિટ થવા માટે નિયમિત રમવાના સમયની જરૂર પડશે. ત્યારે જ 2027 વર્લ્ડ કપ રમવાનું સપનું સાકાર થશે.’
ભારતમાં વિજય હઝારે ટ્રોફી જ્યારે પણ સુનિશ્ચિત થાય ત્યારે રોહિત અને વિરાટે રમવું જોઈએ. એ ફિટ રહેવા અને મૅચ પ્રૅક્ટિસ જાળવવાનો એક માર્ગ છે.
- ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર