જગદીશનનો જયજયકારઃ એક દિવસમાં રચ્યા પાંચ-પાંચ વિક્રમ

22 November, 2022 01:50 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

લિસ્ટ-એ વન-ડે ક્રિકેટમાં હવે તેના ૨૭૭ રન હાઇએસ્ટ : બ્રાઉન અને રોહિતના વિક્રમ તોડ્યા : લાગલગાટ પાંચ મૅચમાં સદી કરનારો પણ પહેલો ખેલાડી અને વિક્રમી ભાગીદારી પણ તેના નામે

નારાયણ જગદીશ

તામિલનાડુના વિકેટકીપર-બૅટર નારાયણ જગદીશને (૨૭૭ રન, ૧૪૧ બૉલ, પંદર સિક્સર, પચીસ ફોર) ગઈ કાલે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પર લિસ્ટ-એ ક્રિકેટ (૫૦ ઓવરની વન-ડે મૅચ)માં નવો વિશ્વવિક્રમ રચ્યો હતો. તેણે વિજય હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં ૧૪૧ બૉલમાં ૨૭૭ રન બનાવ્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં આ નવો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. તેના આ ૨૭૭ રન મેન્સ તેમ જ વિમેન્સ બન્ને વર્ગની વન—ડેમાં સૌથી વધુ છે.

એટલું જ નહીં, ૨૬ વર્ષના જગદીશને મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં લાગલગાટ પાંચ મૅચમાં પાંચ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી તરીકેનો વર્લ્ડ રેકૉર્ડ પણ નોંધાવ્યો હતો.

જગદીશને ૨૭૭ રન બનાવીને એકસાથે બે ખેલાડીના વિક્રમ તોડ્યા હતા. તેણે પહેલાં તો રોહિત શર્માના ૨૬૪ રનના વન-ડે ક્રિકેટના સર્વોચ્ચ સ્કોરને પાર કર્યો હતો. રોહિતે એ ૨૬૪ રન નવેમ્બર ૨૦૧૪માં શ્રીલંકા સામેની ઈડન ગાર્ડન્સની વન-ડેમાં બનાવ્યા હતા. ત્યાર પછી જગદીશને સરે કાઉન્ટીના ૨૬૮ રનનો વિક્રમ પાર કરી લીધો હતો. બ્રાઉને ૨૦૦૨માં ગ્લેમૉર્ગન સામે ૨૬૮ રન બનાવ્યા હતા.

જગદીશને સતત પાંચ સદી ફટકારીને લાગલગાટ ચાર સદી ફટકારી ચૂકેલા કુમાર સંગકારા, અલ્વિરો પીટરસન અને દેવદત્ત પડિક્કલના વિક્રમ તોડ્યા છે.

શ્રીલંકન મહિલાનો વિક્રમ તોડ્યો

મહિલાઓની વન-ડેમાં શ્રીલંકાની શ્રીપાલી વીરાક્કોડીનો ૨૭૧ રનનો વિક્રમ હતો, જે તેણે ૧૫ વર્ષ પહેલાંની એક સ્થાનિક વન-ડે ટુર્નામેન્ટમાં રચ્યો હતો. ગઈ કાલે જગદીશને એ રેકૉર્ડને પણ પાર કરી લીધો હતો.

તામિલનાડુના જગદીશન અને બી. સાઈ સુદર્શન (૧૫૪ રન, ૧૦૨ બૉલ, બે સિક્સર, ઓગણીસ ફોર) વચ્ચે ૪૧૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં આ સૌથી મોટી ભાગીદારી છે. તેમણે ક્રિસ ગેઇલ અને માર્લન સૅમ્યુઅલ્સ વચ્ચેની ઝિમ્બાબ્વે સામેની ૩૭૨ રનની ભાગીદારીનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે.

કોહલીને પણ બાકી ન રાખ્યો

જગદીશનની પાંચ સદી હવે વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં ફટકારાયેલી હાઇએસ્ટ સેન્ચુરી છે. તેણે એક સીઝનમાં ચાર-ચાર સદી ફટકારી ચૂકેલા વિરાટ કોહલી, પડિક્કલ, પૃથ્વી શૉ અને ઋતુરાજ ગાયકવાડના વિક્રમને પાર કર્યા છે.

જગદીશનની ગઈ કાલની ૧૫ સિક્સર પણ વિજય હઝારેની એક મૅચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારાઓમાં નવો વિક્રમ છે. તેણે યશસ્વી જૈસવાલનો ૧૨ સિક્સરનો વિક્રમ તોડ્યો છે.

sports news sports cricket news vijay hazare trophy