સમર્થ વ્યાસની ડબલ સેન્ચુરીએ સૌરાષ્ટ્રને તોતિંગ માર્જિનથી જિતાડ્યું

14 November, 2022 02:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૌરાષ્ટ્રની ટીમ ઓપનર્સની ભાગીદારી જેટલા જ (૨૮૨) રનથી જીતી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે )

દિલ્હીમાં ગઈ કાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટની એલીટ, ગ્રુપ ‘એ’ મૅચમાં ઓપનર સમર્થ વ્યાસે (૨૦૦ રન, ૧૩૧ બૉલ, ૯ સિક્સર, ૨૦ ફોર) ડબલ સેન્ચુરી ફટકારીને અને સાથી-ઓપનર તથા વિકેટકીપર હાર્વિક દેસાઈ (૧૦૦ રન, ૧૦૭ બૉલ, બે સિક્સર, ૯ ફોર)એ ૨૮૨ રનની ભાગીદારીની મદદથી સૌરાષ્ટ્રને મણિપુર સામે યાદગાર વિજય અપાવ્યો હતો.
સૌરાષ્ટ્રની ટીમ ઓપનર્સની ભાગીદારી જેટલા જ (૨૮૨) રનથી જીતી ગઈ હતી. સૌરાષ્ટ્રએ ૪ વિકેટે જે ૩૯૭ રન બનાવ્યા હતા એમાં ચેતેશ્વર પુજારાના ૪૮ રન પણ હતા. મણિપુરના ૮ બોલર્સે બોલિંગ કરી હતી. મણિપુરની ટીમ સૌરાષ્ટ્રના લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાની ૭ વિકેટના તરખાટને કારણે માત્ર ૧૧૫ રનના સ્કોરે આઉટ થઈ ગઈ હતી. બે વિકેટ અર્પિત વસાવડાએ અને એક વિકેટ ચેતન સાકરિયાએ લીધી હતી.

આ ટુર્નામેન્ટની અન્ય મૅચમાં યશસ્વી જૈસવાલના ૧૦૪ રન છતાં મુંબઈનો સર્વિસિસ સામે ૮ વિકેટે પરાજય થયો હતો. મુંબઈના ૨૬૪/૯ સામે સર્વિસિસે ૪૫.૩ ઓવરમાં ૨૬૬/૨ના સ્કોર સાથે જીત મેળવી હતી.

sports news sports cricket news vijay hazare trophy