આઇપીએલમાં દર્શકોને મળશે એન્ટ્રી

16 September, 2021 06:44 PM IST  |  Mumbai | Agency

કોરોના પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમોનું પાલન કરતાં સ્ટેડિયમની ક્ષમતાના પચાસ ટકા પ્રેક્ષકો દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં માણશે મૅચની મજા, અઢી વર્ષ બાદ થઈ વાપસી

આઇપીએલમાં દર્શકોને મળશે એન્ટ્રી

સપ્તાહને અંતે શરૂ થઈ રહેલી આઇપીએલ જોવા માટે મર્યાદિત પ્રેક્ષકોને પરવાનગી મળશે એવી ઘોષણા આયોજકોએ કરી હતી. રવિવારે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આઇપીએલના બીજા તબક્કાની પહેલી મૅચ રમાશે. આઇપીએલ દ્વારા એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું આ મૅચ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે કોરોનાને કારણે પડેલા વિરામ બાદ ફરી દર્શકોને અમે સ્ટેડિયમમાં આવકારીએ છીએ. કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમોને અનુસરતા દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાનારી મૅચમાં મર્યાદિત સંખ્યામાં બેઠકો ફાળવવામાં આવશે. 
૨૦૧૯ બાદ પહેલી વખત અંદાજે અઢી વર્ષ બાદ આઇપીએલ દર્શકો સમક્ષ રમાશે. ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઇપીએલમાં પણ દર્શકોને પ્રવેશ નહોતો. તો ભારતમાં આઇપીએલનો જે પહેલો તબક્કો આ વર્ષે રમાયો હતો એમાં પણ ચૂસ્ત બોયો બબલનો નિયમ હતો. યુએઈમાં કેટલી સંખ્યામાં દર્શકો હાજર રહેશે એ વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા લોકો હાજર રહેશે. 
લીગના આયોજકોના જણાવ્યા પ્રમાણે વેબસાઇટ www.iplt20.com પર ૧૬ સપ્ટેમ્બરથી દર્શકો ટિકિટ ખરીદી કરી શકશે. આ ઉપરાંત આ વેબસાઇટ PlatinumList.net પરથી પણ ખરીદી શકાશે. કોરોનાને કારણે સ્પર્ધાત્મક રમતો બંધ થઈ ગઈ હતી. ધીમે-ધીમે બોયો બબલમાં ક્રિકેટ શરૂ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરથી આ વર્ષના જાન્યુઆરી દરમ્યાન ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ દરમ્યાન ફરી એક વાર ક્રિકેટ જોવા માટે દર્શકોને આવવાની પરવાનગી અપાઈ હતી, જે ગયા વર્ષે માર્ચ મહિના બાદ બંધ કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડની મહિલા ખેલાડીઓ વચ્ચે થયેલી મૅચમાં પણ દર્શકો આવ્યા હતા.   

sports news sports ipl 2021 cricket news