પહેલા સ્પેલ પહેલાં હું નર્વસ અને ભાવુક હતો, પણ સિનિયર્સ સાથે વાત કરવાથી મદદ મળી : વરુણ

04 March, 2025 09:05 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ બાદ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ તે કહે છે, ‘૨૦૨૧માં મારું પ્રદર્શન સારું નહોતું, પણ હવે હું સારું અનુભવી રહ્યો છું.

વરુણ ચક્રવર્તીએ રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામે જબરદસ્ત બોલિંગ કરીને મૅચવિનિંગ પાંચ વિકેટ લીધી હતી.

ભારતના ૩૩ વર્ષના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાની બીજી જ વન-ડે મૅચમાં પાંચ વિકેટ લઈને અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે વન-ડેમાં ભારત માટે સૌથી ઝડપી પાંચ વિકેટની સિદ્ધિ મેળવનાર બોલર બનીને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બિન્ની (ત્રણ મૅચ)નો રેકૉર્ડ તોડ્યો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ બાદ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ તે કહે છે, ‘૨૦૨૧માં મારું પ્રદર્શન સારું નહોતું, પણ હવે હું સારું અનુભવી રહ્યો છું. પહેલા સ્પેલ પહેલાં હું નર્વસ હતો. મારા મનમાં આ વારંવાર ચાલતું હતું, કારણ કે આ બધું ત્રણ વર્ષ પહેલાં આ જ જમીન પર બન્યું હતું.’

૨૦૨૧માં દુબઈમાં T20 વર્લ્ડ કપમાં સાધારણ પ્રદર્શન બાદ તે ૨૦૨૪ સુધી ટીમમાં વાપસી કરી શક્યો નહોતો.      

​રવિવારે ગિલને આઉટ કર્યા બાદ મૅટ હેન્રી. તેણે પાંચ વિકેટ લીધી હતી.

વરુણ આગળ કહે છે, ‘લાગણીઓ વારંવાર ઊભરી રહી હતી અને હું એને અવગણવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ પછી વિરાટભાઈ, રોહિત અને હાર્દિકે મને શાંત રહેવા કહ્યું. તેઓ વારંવાર આવીને મારી સાથે વાત કરતા રહ્યા જેનાથી મને ઘણી મદદ મળી. ૫૦ ઓવરની ફૉર્મેટમાં બોલિંગ અલગ હોય છે. મને બે વર્ષ સુધી વિજય હઝારે ટ્રોફી રમવાનો સારો અનુભવ રહ્યો. આનાથી મને સમજવામાં મદદ મળી કે ક્યારે અંદર આવનારો બૉલ ફેંકવો અને ક્યારે બહાર જતો બૉલ ફેંકવો. ક્યારે સીધી બોલિંગ કરવી અને ક્યારે ટૉપ સ્પિન બોલિંગ કરવી. આ ફૉર્મેટ T20થી સંપૂર્ણપણે અલગ છે.’

૪૮૫૨ વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના

દુબઈમાં રવિવારે ભારતના સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૧૦ ઓવરમાં ૪૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી, જ્યારે ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ પણ ૮ ઓવરમાં ૪૨ રન આપીને પાંચ ભારતીય બૅટ્સમેનોને આઉટ કર્યા હતા. આ રીતે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં એક અદ્ભુત રેકૉર્ડ બન્યો. તમને જાણીને નવાઈ લાગશે કે વન-ડે ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું છે જ્યારે એક જ મૅચમાં બે બોલરોએ સમાન રન આપ્યા હોય અને સમાન વિકેટો લીધી હોય. વરુણ અને હેન્રીએ ૪૨-૪૨ રન આપીને પાંચ-પાંચ વિકેટ લીધી. અત્યાર સુધીમાં ૪૮૫૨ ODI મૅચ રમાઈ છે અને પહેલી વાર કોઈ મૅચમાં આવો અનોખો નઝારો જોવા મળ્યો છે.

india new zealand varun chakaravarthy indian cricket team cricket news sports news sports