06 August, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
IPLની ૨૦૨૬ની સીઝન બાદ જો ફુટબૉલ-સ્ટાઇલમાં ખેલાડીઓનું ટ્રાન્સફર થાય તો એવા એક કાલ્પનિક વિશ્લેષણમાં સ્વાભાવિક રીતે ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી મેદાન મારી ગયો હતો. એક અખબારે કરેલા આ પ્રકારના એક સોશ્યલ મીડિયા સર્વે અનુસાર રાજસ્થાન રૉયલ્સ વતી રમતા વૈભવ સૂર્યવંશીની ટ્રાન્સફર-કિંમત ૪૮ કરોડ રૂપિયા જેટલી હોઈ શકે છે.
વૈભવ સૂર્યવંશી ૨૦૨૬ની સીઝનમાં તેની આક્રમક રમત વડે ક્રિકેટજગતમાં છવાઈ ગયો હતો. દુનિયાભરના બોલરો સામે ડર્યા વગર આક્રમકતાથી સામનો કરીને તે ભારતીય ક્રિકેટના એક ભવિષ્યના સ્ટાર તરીકે ઊભરી આવ્યો હતો. મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર, ઑરેન્જ કૅપ, ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ સીઝન સહિત પાંચેક અવૉર્ડ તેણે મેળવ્યા હતા એટલે સ્વાભાવિક રીતે આ સર્વેમાં તેનું મૂલ્યાંકન સૌથી ટૉપમાં હતું.
આ કાલ્પનિક સર્વેમાં વૈભવના હાઇએસ્ટ ૪૮ કરોડ બાદ સાઈ સુદર્શન ૪૪ કરોડ સાથે બીજા, યશસ્વી જાયસવાલ ૪૨ કરોડ સાથે ત્રીજા, શુભમન ગિલ ૪૦ કરોડ સાથે ચોથા અને સૂર્યકુમાર યાદવ ૩૮ કરોડ રૂપિયાના મૂલ્ય સાથે પાંચમા ક્રમાંકે રહ્યો હતો. IPL ટ્રેડમાં સામાન્ય રીતે ખેલાડીઓ પોતાના વર્તમાન કૉન્ટ્રૅક્ટ પર જ નવી ટીમમાં જાય છે, જેમાં ક્યારેક સીધી અદલાબદલી અથવા વાટાઘાટથી નક્કી કરાયેલા પગારમાં ફેરફાર સામેલ હોય છે.