ઉનેવાળ પ્રીમિયર લીગમાં કૅપ ઇલેવન ચૅમ્પિયન

25 April, 2025 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ડર-15 કૅટેગરીમાં અન્ડર-12માં કિંગ્સ ઇલેવન જ્યારે અબોવ-12માં વરુણ ઇલેવન વિજેતા

ચૅમ્પિયન્સઃ કૅપ ઇલેવન (ડાબે), કિંગ્સ ઇલેવન (નીચે, ડાબે) અને વરુણ ઇલેવન.

શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ એજ્યુકેશનલ ફાઉન્ડેશન દ્વારા ઉનેવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે ગયા શનિવાર અને રવિવારે આયોજિત ક્રિકેટ-ટુર્નામેન્ટ ઉનેવાળ પ્રીમિયર લીગ (UPL 2025 - શિવપુષ્પ કપ) કૅપ ઇલેવન ટીમે જીતી લીધી હતી. આ ૧૪મી સીઝનમાં કુલ ૧૪ ટીમો વચ્ચે લીગ, ક્વૉટર ફાઇનલ અને સેમી ફાઇનલના જંગ બાદ રુદ્ર ઇલેવન અને કૅપ ઇલેવને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઇનલમાં રુદ્ર ઇલેવને મા ગ્લૅડિયટર્સ સામે ૭ વિકેટે અને કૅપ ઇલેવને આકાર સ્ટ્રાઇકર્સ સામે ૮ વિકેટથી વિજય મેળવ્યો હતો. ફાઇનલમાં કૅપ ઇલેવને ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરતાં જતિન ઓઝા (૧૫ બૉલમાં ૬ ફોર સાથે અણનમ ૩૬), કૅપ્ટન અભિષેક ઓઝા (૯ બૉલમાં ચાર ફોર સાથે ૨૦) અને ભૌમિક ઓઝા (૧૨ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૮ રન)ની ઉપયોગી ઇનિંગ્સના જોરે ૬ ઓવરમાં એક વિકેટે ૭૮ રન બનાવ્યા હતા. ૭૯ રનના ટાર્ગેટ સામે રુદ્ર ઇલેવન ૬ ઓવરમાં ૬ વિકેટે ૪૮ રન જ બનાવી શકતાં કૅપ ઇલેવનનો ૩૦ રનથી શાનદાર વિજય થયો હતો. ૩૬ રન, બે વિકેટ અને બે કૅચ સાથેના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ કૅપ ઇલેવનનો જતિન ઓઝા ફાઇનલી મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો, જ્યારે કૅપ ઇલેવનનો કૅપ્ટન અભિષેક ઓઝા પાંચ મૅચમાં ૯૩ રન, ૮ વિકેટ, ચાર કૅચ અને એક રનઆઉટના શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ પ્લેયર ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર જાહેર થયો હતો. રુદ્ર ઇલેવનના કેયૂર ઠાકરને ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૧૨ રન બદલ બૅસ્ટ બૅટ્સમૅન જાહેર કરવામાં આવ્યો હતો.

પાંચ ટીમો વચ્ચેની અન્ડર-15 બૉય્સ ટુર્નામેન્ટને અન્ડર-12 અને અબોવ-12 એમ બે વિભાગમાં રમાડવામાં આવી હતી જેમાં અન્ડર-12માં કિંગ્સ ઇલેવન અને અબોવ-12માં વરુણ ઇલેવન ચૅમ્પિયન બન્યું હતું.

gujaratis of mumbai gujarati community news cricket news sports news sports test cricket