અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો સેકન્ડ-હાઇએસ્ટ માર્જિનથી વિજય

24 January, 2022 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે પ્લેયરની સેન્ચુરીથી ૪૦૫ રન બનાવીને યુગાન્ડાને ૩૨૬ રનથી કચડી નાખ્યું : ભારતની ક્વૉર્ટર ફાઇનલ બંગલાદેશ સામે

રાજ બાવાને રવિવારે અણનમ ૧૬૨ રન બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

વેસ્ટ ઇન્ડીઝમાં ચાલતા અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે રવિવારે રનનો ખડકલો કરી દીધો હતો અને પછી યુગાન્ડાને સેકન્ડ-બિગેસ્ટ ૩૨૬ રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાનું કેન્યા સામેનું ૨૦૦૨ના વર્લ્ડ કપનું ૪૩૦ રનનું માર્જિન સર્વોચ્ચ છે.
રવિવારે યુગાન્ડાએ બૅટિંગ આપ્યા બાદ ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૪૦૫ રન બનાવ્યા હતા, જેમાં ઓપનર અંગક્રિશ રઘુવંશી (૧૪૪ રન, ૧૨૦ બૉલ, ચાર સિક્સર, બાવીસ ફોર) અને રાજ બાવા (૧૬૨ અણનમ, ૧૦૮ બૉલ, આઠ સિક્સર, ૧૪ ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. યુગાન્ડાના કૅપ્ટન અને પેસ બોલર પાસ્કલ મુરુંગીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. યુગાન્ડાની ટીમ જવાબમાં માત્ર ૧૯.૪ ઓવરમાં ૭૯ રનના સ્કોરે આઉટ થઈ ગઈ હતી. પાસ્કલના ૩૪ રન ટીમમાં હાઇએસ્ટ હતા. ભારતીય બોલરોમાં કૅપ્ટન અને લેફ્ટ-આર્મ સ્પિનર નિશાંત સિંધુએ ચાર અને રાજવર્ધન હંગારગેકરે બે વિકેટ લીધી હતી. ઓપનર આઇઝેક ઍટગેકા દાવની પહેલી જ ઓવરમાં રિટાયર-હર્ટ થયો હતો. રાજ બાવાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. સુપર લીગ ગ્રુપમાં ભારત હવે ૨૯ જાન્યુઆરીએ ગયા વખતના ચૅમ્પિયન બંગલાદેશ સામે ક્વૉર્ટર ફાઇનલ રમશે. ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશની ટીમ પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ક્વૉર્ટર ફાઇનલમાં કોણ કોની સામે?
    તારીખ                     હરીફો
૨૬ જાન્યુઆરી    ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા
૨૭ જાન્યુઆરી    અફઘાનિસ્તાન-શ્રીલંકા
૨૮ જાન્યુઆરી    પાકિસ્તાન-ઑસ્ટ્રેલિયા
૨૯ જાન્યુઆરી    ભારત-બંગલાદેશ

sports sports news cricket news u-19 world cup india