06 February, 2026 11:10 AM IST | Harare | Gujarati Mid-day Correspondent
ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન આયુષ મ્હાત્રે અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન થૉમસ રેવ
આજે ઝિમ્બાબ્વેની હરારે સ્પોર્ટ્સ કલબના મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ રમાશે. ભારતીય ટીમ રેકૉર્ડ દસમી અને સતત છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમશે. ૧૯૯૮ અને ૨૦૨૨ બાદ ઇંગ્લૅન્ડ ત્રીજી વખત ફાઇનલ રમશે.
૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં ભારત ૪ વિકેટે જીત નોંધાવીને પોતાનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ ૨૦૨૪ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારત ૭૯ રને હારી ગયું હતું. ઇંગ્લૅન્ડ ૧૯૯૮માં ન્યુ ઝીલૅન્ડને ૭ વિકેટે હરાવીને એક વાર ચૅમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયા રેકૉર્ડ છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતવા મેદાનમાં ઊતરશે.
યુથ વન-ડે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૫૫ મૅચ રમાઈ છે એમાંથી ભારત ૪૧ અને ઇંગ્લૅન્ડ ૧૩ મૅચ જીત્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકમાત્ર મૅચ ટાઇ થઈ હતી.