T20 World Cup: ભારતીય દીકરીઓએ વગાડ્યો ડંકો, સાત વિકેટ સાથે ઈંગ્લેન્ડને આપી માત

29 January, 2023 09:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતે મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.

ભારતીય દીકરીઓએ વગાડ્યો ડંકો (તસવીર: બીસીસીઆઈ ટ્વિટર)

ભારતે મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ  (U19 T20 World Cup) જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલાનું ICC ટ્રોફી જીતવાનું સપનું સાકાર થયું. ભારતની મહિલા ટીમે પ્રથમ વખત ICC ટ્રોફી (ICC Tournament) જીતી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 17.1 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ સરળ લક્ષ્યાંક 14 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો.

આ મેચમાં પ્રથમ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 68 રનમાં આઉટ કરી દીધું. તિતાસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વીએ બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે, સૌમ્યા તિવારી અને ગોંગડી ત્રિશાએ બેટથી અજાયબીઓ કરી હતી. બંનેએ 24-24 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તિતાસ સાધુએ મેચના ચોથા બોલમાં લિબર્ટી હીપને પેવેલિયન મોકલી દીધો હતો. તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી. સાધુએ લિબર્ટીનો કેચ પોતાના જ બોલ પર લીધો હતો. આ પછી કેપ્ટન ગ્રેસ અને ફિયોના હોલેન્ડે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને આગળ ધપાવી હતી, પરંતુ ચોથી ઓવરમાં અર્ચના દેવીએ બંનેને આઉટ કરીને ઇંગ્લેન્ડને બેક ફૂટ પર લાવી દીધું હતું. ગ્રેસ ચાર અને હોલેન્ડે 10 રન બનાવીને આઉટ થયા હતા.

આ પણ વાંચો: મિતાલી બની ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર

16 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને ભારતીય બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને નિયમિત અંતરે વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની ચોથી વિકેટ 22 રનના સ્કોર પર પડી હતી. તિતાસ સાધુએ સેરેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી ચેરિસ પાવલે અને મેકડોનાલ્ડે 17 રનની ભાગીદારી કરી હતી. પાવેલના આઉટ થતા જ ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી ભારતીય બોલરોએ નિયમિત અંતરે વિકેટો લીધી અને ઈંગ્લેન્ડની ટીમને 68 રનમાં આઉટ કરી દીધી.

sports news cricket news indian womens cricket team england world cup