દર વર્ષે એક નહીં, બે આઇપીએલ રાખો : રવિ શાસ્ત્રી

02 June, 2022 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય કોચ કહે છે, ‘ટી૨૦ મૅચોનો માત્ર વર્લ્ડ કપ રાખો, દ્વિપક્ષી ટુર્નામેન્ટ કોઈને યાદ નથી રહેતી’

રવિ શાસ્ત્રી

ક્રિકેટજગતની સૌથી ધનિક અને સૌથી લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટેના નવા પાંચ વર્ષના મીડિયા અને બ્રૉડકાસ્ટિંગના રાઇટ્સ આ મહિને કરોડો રૂપિયામાં વેચાવાની તૈયારીમાં છે જેને પગલે આઇપીએલનો વ્યાપ ઓર વધશે અને કદાચ આવતા વર્ષથી મૅચોની અને મૅચના દિવસોની સંખ્યા વધી જશે. આ મુદ્દે ESPNcricinfoના એક પ્રોગ્રામ દરમ્યાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘આઇપીએલનો વ્યાપ વધવો જોઈએ અને ટી૨૦ ક્રિકેટનો માત્ર વર્લ્ડ કપ રાખવો જોઈએ, કારણ કે ટી૨૦ની બે દેશો વચ્ચેની સિરીઝ કોઈને યાદ નથી રહેતી. ફુટબૉલની જેમ ટી૨૦ ક્રિકેટની લીગ ટુર્નામેન્ટ જ હોવી જોઈએ.’

આઇપીએલનું કદ વધવાની શક્યતા સાથે ડૅનિયલ વેટોરી, ઇયાન બિશપ અને આકાશ ચોપડા પણ સહમત હતા. આકાશ જ્યારે કહ્યું કે ‘મને તો લાગે છે કે પ્રત્યેક કૅલેન્ડર યરમાં આઇપીએલની બે સીઝન રખાશે’ ત્યારે શાસ્ત્રીએ સંમત થતાં કહ્યું, ‘સાચે, એ જ તો આઇપીએલનું ભાવિ છે. આ વખતે ૭૦ લીગ મૅચો રમાઈ તો હવે પછી એની સંખ્યા વધારીને ૧૪૦ કરી નાખો. ૭૦-૭૦ લીગવાળી બે આઇપીએલ એક જ વર્ષમાં રાખો. આવું થવું જોઈએ. આ જ રીતે આઇપીએલ નામની પ્રૉપર્ટીનો વિકાસ થશે. કોઈને થશે કે એ તો ઓવરડોઝ (અતિરેક) જ કહેવાય, પરંતુ ભારતમાં ઓવરડોઝ જેવું કંઈ છે જ નહીં. મેં બાયો-બબલની બહાર રહીને જોયું છે કે કોવિડકાળ પછી પણ લોકોએ આઇપીએલ ખૂબ માણી છે.

sports sports news cricket news indian premier league ravi shastri