ત્રિપાઠી અને ઐયરે મુંબઈને કર્યું ધ્વસ્ત

24 September, 2021 03:40 PM IST  |  Abu Dhabi | Agency

રોહિત શર્માની ટીમને ૭ વિકેટે હરાવીને કલકત્તાએ પૉઇન્ટ ટેબલ પર મેળવ્યું ચોથું સ્થાન

ગઈ કાલે સાથી ખેલાડી વ્યંકટેશ ઐયર સાથે હાફ સેન્ચુરીની ઉજવણી કરતો રાહુલ ત્રિપાઠી.

અબુ ધાબીમાં રમાયેલી મૅચમાં કલકત્તાએ મુંબઈને ૭ વિકેટથી હરાવીને પૉઇન્ટ ટેબલ પર ચોથો ક્રમાંક મેળવ્યો છે. મુંબઈએ આપેલા જીત માટે ૧૫૬ રનના ટાર્ગેટનો પીછો કરતાં કલકત્તાએ શુભમન ગિલની (૧૩) વિકેટ ૪૦ રનના સ્કોરે ગુમાવી હતી. જોકે ત્યાર બાદ પહેલી જ મૅચમાં પોતાનો પ્રભાવ દેખાડનાર વ્યંકટેશ ઐયર (૩૦ બૉલમાં ૫૩ રન) અને રાહુલ ત્રિપાઠી (૭૪ નૉટઆઉટ) વચ્ચે શાનદાર ૮૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. આમ કલકત્તાએ ૧૫.૧ ઓવરમાં  ૭ વિકેટથી આ મૅચ જીતી લીધી હતી. મુંબઈએ પહેલાં બૅટિંગ કરતાં ૬ વિકેટે ૧૫૫ રન કર્યા હતા. ઓપનર ક્વિન્ટન ડિકૉકે (૪૨ બૉલમાં ૫૫ રન) આક્રમક હાફ સેન્ચુરી ફટકારી હતી. તેની તથા કૅપ્ટન રોહિત શર્મા (૩૩) વચ્ચે પહેલી વિકેટ માટે શાનદાર ૭૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. ઇંગ્લૅન્ડમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત પહેલી મૅચમાં નહોતો રમ્યો. વળી હાર્દિક પંડ્યા આ મૅચમાં પણ ન રમતાં તેની ફિટનેસને લઈને જાતજાતના તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. રોહિતની વિકેટ સુનીલ નારાયણે લીધી હતી, તો પ્રસિદ્ધ કિષ્ણાએ ડિકૉકની વિકેટ લીધી હતી.
 પહેલી ૧૦ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના બૅટ્સમેનોને કલકત્તાના બોલરોએ છેલ્લી ૧૦ ઓવરમાં વધુ છૂટ લેવા દીધી નહોતી. છેલ્લે કિરોન પોલાર્ડ (૨૧) અને કૃણાલ પંડ્યા (૧૨) વચ્ચે પાંચમી વિકેટ માટે ૩૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે છેલ્લે લૉકી ફર્ગ્યુસનની ઓવરમાં બન્નેની વિકેટ પડી ગઈ હતી. ફર્ગ્યુસને ૨૭ રનમાં બે વિકેટ ઝડપી હતી, તો પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ૪૩ રન આપીને ​બે વિકેટ ઝડપી હતી. 

cricket news sports news sports ipl 2021