કૉન્ટ્રૅક્ટ વગર શ્રીલંકન ટીમ રવાના થઈ ઇંગ્લૅન્ડ ટૂર પર

09 June, 2021 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ઑફર કરેલા કૉન્ટ્રૅક્ટ લેટર પર ખેલાડીઓએ સાઇન કરવાની ના પાડી દેતાં શ્રીલંકાની ટીમની આગામી ઇંગ્લૅન્ડની ટૂર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ઑફર કરેલા કૉન્ટ્રૅક્ટ લેટર પર ખેલાડીઓએ સાઇન કરવાની ના પાડી દેતાં શ્રીલંકાની ટીમની આગામી ઇંગ્લૅન્ડની ટૂર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે ત્યાર બાદ બન્ને વચ્ચે સમાધાન થતાં તેઓ આ કૉન્ટ્રૅક્ટ પર ઇંગ્લૅન્ડ ટૂર બાદ ચર્ચા કરશે. આમ લંકન ટીમ કૉન્ટ્રૅક્ટ વગર ઇંગ્લૅન્ડ ટૂર પર જવા રાજી થઈ ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ કૅપ્ટન અરવિંદ ડિસિલ્વા અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ટિમ મૂડી સાથે મળીને નવી પર્ફોર્મન્સ આધારિત પેમેન્ટ સિસ્ટમ ખડી કરી હતી, જેમાં મોટા ભાગના સિનિયર ખેલાડીઓને અત્યાર કરતાં આશરે ૪૦ ટકા ઓછા પૈસા ઑફર કરવામાં આવ્યા છે. જોકે તેઓ સારો પર્ફોર્મન્સ કરશે તો બોનસરૂપે વધુ કમાઈ શકે છે. શ્રીલંકન ટીમ આ બાબતે એકજૂટ થઈને નવી પેમેન્ટ સિસ્ટમનો વિરોધ કરી રહી છે અને બધા એકસાથે વહેલું રિટાયરમેન્ટ લઈ લેશે એવી ધમકી પણ આપી હતી. 

જો શ્રીલંકા ઇંગ્લૅન્ડની સિરીઝ રદ કરે તો લંકન બોર્ડે ખૂબ મોટો દંડ ભરવો પડે એમ છે એથી તેમણે ખેલાડીઓને જો આ ટૂરમાં નહીં જોડાઓ તો ત્રણેક વર્ષ માટે બૅન કરવાની ધમકી આપી દીધી હતી. ત્યાર બાદ ખેલાડી કૉન્ટ્રૅક્ટ વગર ઇંગ્લૅન્ડ જવા તૈયાર થયા હતા. ગઈ કાલે ઇંગ્લૅન્ડ જવા રવાના થયેલી લંકન ટીમ સિરીઝમાં ૩ વન-ડે અને ૩ ટી૨૦ મૅચ રમશે.

england cricket news sports news sports sri lanka