મૅચમાં બીજો બૉલ ફેંકાય એ પહેલાં જ કોહલી સુધી પહોંચી ગયો ચાહક

28 May, 2022 02:26 PM IST  |  Mumbai | Shailesh Nayak

ચુસ્ત બંદોબસ્ત છતાં પ્રેક્ષક કેવી રીતે પિચ સુધી પહોંચી ગયો?: સિક્યૉરિટી સામે ઊઠ્યા સવાલ

વિરાટ કોહલી

અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે રમાયેલી આઇપીએલની ક્વૉલિફાયર-ટૂની મૅચમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત અને પ્રાઇવેટ સિક્યૉરિટી હોવા છતાં વિરાટ કોહલીનો એક ચાહક મેદાનની અંદર છેક પિચ પર કોહલીને મળવા દોડી ગયો હતો. આ ઘટનાથી મૅચ રમી રહેલા ક્રિકેટરો સહિત સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. મૅચની પ્રથમ ઓવરમાં બીજો બૉલ નખાય એ પહેલાં જ સ્ટૅન્ડમાંથી એક પ્રેક્ષક અચાનક મેદાનમાં દોડી ગયો હતો અને છેક વિરાટ કોહલી સુધી પહોંચી જતાં મૅચ અટકી હતી. કોહલીના આ ચાહકે વિરાટ સાથે હાથ મિલાવવા હાથ લંબાવ્યો હતો, પરંતુ કોહલીએ હાથ મિલાવ્યો નહોતો. સિક્યૉરિટી ગાર્ડ તેને પકડી લેવા દોડ્યા હતા અને તેને સ્ટેડડિયમની બહાર લઈ ગયા હતા.
ક્રિકેટરો માટે બાયો-બબલ સિસ્ટમ હજી ચાલુ છે અને બહારની વ્યક્તિ કોઈ ક્રિકેટરને મળી ન શકે એવું છે ત્યારે એક પ્રેક્ષક જડબેસલાક સિક્યૉરિટી વચ્ચે પણ ચાલુ મૅચમાં છેક પિચ પર પહોંચી જઈને ક્રિકેટરને મળે એ ઘટનાને લઈને સ્ટેડિયમની અંદરની સિક્યૉરિટી સામે સવાલ ઊઠ્યા છે.

cricket news sports news sports ipl 2022 shailesh nayak