હાર્દિક અને જાડેજાની ગેરહાજરીને લીધે વન-ડે ટીમના બૅલૅન્સમાં થઈ ગરબડ

25 January, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-ડે સિરીઝમાં વાઇટવૉશ બાદ કોચ દ્રવિડની કબૂલાત, જોકે તેમણે નવા કૅપ્ટન રાહુલ અને યુવા ખેલાડીઓ શાર્દુલ ઠાકુર તથા દીપક ચાહરની ભારે પ્રશંસા કરી

હાર્દિક અને જાડેજાની ગેરહાજરીને લીધે વન-ડે ટીમના બૅલૅન્સમાં થઈ ગરબડ

ટીમના હેડ કોચ બન્યા બાદ પહેલી જ વિદેશ સિરીઝમાં રાહુલ દ્રવિડને ભારે નિરાશા સાંપડી છે. પ્રથમ ટેસ્ટ જીતીને શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતીય ટીમ બાકીની બન્ને મૅચમાં ફસડાઈ પડી હતી અને સિરીઝ ૧-૨થી ગુમાવી દીધી હતી. એ ઓછું હોય એમ ત્રણેય વન-ડેમાં હાર સાથે વાઇટવૉશની નામોશી જોવી પડી છે. દ્રવિડને આ કારમી હાર બાદ બે ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા યાદ આવ્યા હતા. 
રવિવારે હાર્યા બાદ કોચ દ્રવિડે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા મિર્ડલ ઑર્ડરને સ્થિરતા આપતા ખેલાડીઓની ગેરહાજરીને લીધે ટીમના બૅલૅન્સમાં ગરબડ થઈ હતી અને એના પરિણામે હારનો સામનો કરવો પડ્યો હતો. એ ખેલાડીઓ ટીમમાં ફરી જોડાઈ જશે અને ટીમ ફરી વિજયના રાહ પર પાછી ફરશે. 
દ્રવિડે આ બાબતે કહ્યું કે ‘હાર્દિક અને જાડેજા જેવા અમુક ખેલાડીઓ ટીમને બૅલૅન્સ કરતા હોય છે અને તેઓ જ આ વખતે અમારી સાથે નહોતા. તેઓ એવા ખેલાડીઓ છે જે ૬, ૭ અને ૮મા નંબર માટે ટીમને વિકલ્પ પૂરો પાડતા હોય છે. મને વિશ્વાસ છે કે તેઓ ફિટ થઈને ફરી ટીમ સાથે જોડાઈ જશે અને ભારતીય ટીમનો ફરી દબદબો જોવા મળશે. તેમના આગમન બાદ તમને ભારતીય ટીમ એક અલગ અંદાજામાં જોવા મળશે.’
દ્રવિડે નવા કૅપ્ટન લોકેશ રાહુલની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ તો હજી શરૂઆત છે અને સમય જતાં તે વધુ શીખશે અને એક બહેતર કૅપ્ટન તરીકે ઊભરી આવશે. 
મિડલ ઑર્ડરે કર્યા નિરાશ
દ્રવિડે વધુમાં કહ્યું કે ‘અમે નિશ્ચિત રૂપે મિડલ ઓવર્સમાં સારી બૅટિંગ કરી શક્યા હોત. જો એવું કરી શક્યા હોત તો આ સિરીઝનું પરિણામ અલગ જ હોત. અમે શરૂઆત સારી કરી હતી, પણ ૨૦થી ૪૦ ઓવર દરમ્યાન અમે ખરાબ ફટકામાં વિકેટ ગુમાવીને હાથમાંથી બાજી ગુમાવી દીધી હતી. આને લીધે બે મૅચમાં અમે હારી ગયા હતા. મિડલ ઑર્ડરના બૅટરોએ જવાબદારીપૂર્વક રમવાની ખાસ જરૂર હતી. 
દેશ માટે જવાબદારીપૂર્વક રમો
દ્રવિડે વધુમાં કહ્યું કે ‘અમે દરેક ખેલાડીને તેની નૅચરલ ગેમ રમવાની સંપૂર્ણ છૂટ આપી છે અને તેમને તેમનું ટીમમાં સ્થાન જળવાઈ રહેશે એની ખાતરી આપી છે. આટલું કર્યા છતાં તેઓ સારો પર્ફોર્મન્સ ન કરે તો શું કરી શકીએ.’
શ્રેયસથી નારાજ, શાર્દુલ-દીપકથી ખુશ
રાહુલ દ્રવિડ આ સિરીઝમાં શ્રેયસ ઐયરના પર્ફોર્મન્સથી ખુશ નથી, પણ શાર્દુલ ઠાકુર અને દીપક ચાહરે તેમનાં દિલ જીતી લીધાં છે. દ્રવિડે કહ્યું કે અત્યારે ટીમમાં ખૂબ સ્પર્ધા છે. ત્રણેય મૅચમાં શ્રેયસ ઐયર પાસે ઘણો સમય હતો તથા લાંબી ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવવાનો ગોલ્ડન ચાન્સ હતો, પરંતુ દરેક વખતે ખોટા ફટકા મારીને આઉટ થવાનું યોગ્ય નહોતું. શ્રેયસ અને અન્ય ખેલાડીઓએ સમજવાની જરૂર છે કે ઘણા બધા ખેલાડીઓ ટીમમાં પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે એથી મળેલી તકનો લાભ ઉઠાવો અને સારું પર્ફોર્મ કરો. 
સિરીઝમાં શાર્દુલ ઠાકુર અને દીપક ચાહરના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી દ્રવિડ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું કે આવા ખેલાડીઓ ટીમમાં છે એ એક સારી વાત છે. છેલ્લી કેટલીક મૅચમાં આપણે જોયું છે કે શાર્દુલ અને દીપકે તક મળતાં બૅટ વડે પણ તેમની ઉપયોગિતા સાબિત કરી છે. આવી રીતે નીચલા ક્રમાંકના બૅટરોના પર્ફોર્મન્સથી ખૂબ જ ફરક પડે છે. આથી અમે દીપક અને શાર્દુલ જેવા ખેલાડીઓને વધુમાં વધુ મોકો આપવા માગીએ છીએ.’

સ્મિથ ભારતનો આભાર માન્યો

કોરોના સમયમાં જ્યારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડને સાઉથ આફ્રિકા જવાનું માંડી વાળ્યું હતુ જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે એમના પર ભરોસો કરીને ટીમના રમવા મોકલવા બદલ સાઉથ આફ્રિકન ડિરેક્ટર ઑફ ક્રિકેટ ગ્રિમ સ્મિથે આભાર માનતા પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડને ટોણો મારતા કહ્યું હતું કે આના પરથી બીજાઓ કંઇક શિખ લેવી જોઈએ.’

cricket news sports news sports rahul dravid ravindra jadeja hardik pandya