વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશીને શું સલાહ આપી સૌરવ ગાંગુલીએ?

06 May, 2025 11:53 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ઈડન ગાર્ડન્સમાં કલકત્તા સામે મળેલી એક રનની હાર બાદ રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવની મુલાકાત ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલી સાથે થઈ હતી

વૈભવ સૂર્યવંશી, સૌરવ ગાંગુલી

૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીની ભારતમાં ભારે ચર્ચા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રામ કથાકાર મોરારીબાપુ પણ પોતાના નિવેદનમાં બિહારના આ વન્ડર-બૉયની પ્રશંસા કરી ચૂક્યા છે. ગુજરાત ટાઇટન્સ સામે ૧૦૧ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમ્યા બાદ છેલ્લી બે ઇનિંગ્સમાં તે મુંબઈ ઇન્ડિયન્સ સામે ઝીરો અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચાર રન જ બનાવી શક્યો હતો.

ઈડન ગાર્ડન્સમાં કલકત્તા સામે મળેલી એક રનની હાર બાદ રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવની મુલાકાત ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલી સાથે થઈ હતી. દાદાના નામે જાણીતા ગાંગુલીએ મેદાન પર વાતચીત દરમ્યાન તેને કેટલીક બૅટિંગની ટીપ્સ આપી હતી. અહેવાલ અનુસાર ગાંગુલીએ વૈભવનું બૅટ જોયું અને તેને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે ‘મેં તારી રમત જોઈ છે. તું જે રીતે નિર્ભય ક્રિકેટ રમે છે એ રીતે રમતો રહેજે. રમતની શૈલી બદલવાની કોઈ જરૂર નથી.’

વૈભવ વર્તમાન સીઝનમાં પાંચ મૅચમાં ૨૦૯.૪૫ના સ્ટ્રાઇક-રેટથી ૧૫૫ રન ફટકારી ચૂક્યો છે.

vaibhav suryavanshi sourav ganguly indian premier league IPL 2025 cricket news sports news sports