ટીમ ઇન્ડિયા જ ટેસ્ટમાં બેસ્ટ

14 May, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાર્ષિક અપડેટમાં વિરાટસેનાએ ટેસ્ટ રૅન્કિંગ્સમાં ટૉપનું સ્થાન જાળવી રાખ્યુંઃ ન્યુ ઝીલૅન્ડ બીજા, જ્યારે ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને ચોથા નંબરે ધકેલ્યું

ટીમ ઈન્ડિયા

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે વાર્ષિક અપડેટ બાદ જાહેર કરેલા ટેસ્ટ રૅન્કિંગ્સમાં ટીમ ઇન્ડિયાએ તેમનું નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. ભારત હવે ૨૪ મૅચમાં ૨૯૧૪ પૉઇન્ટ સાથે કુલ ૧૨૧ રેટિંગ પૉઇન્ટ મેળવીને નંબર-વન છે. ન્યુ ઝીલૅન્ડે ૧૮ ટેસ્ટમાં ૨૧૬૬ પૉઇન્ટ મેળવી કુલ ૧૨૦ રેટિંગ પૉઇન્ટ સાથે તેમનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે હવે માત્ર એક રેટિંગ પૉઇન્ટનો ફરક છે અને આ બન્ને ટૉપની ટીમ વચ્ચે ૧૮ જૂને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પ્રથમ ફાઇનલ ટક્કર જામવાની છે. 

આ વાર્ષિક અપડેટમાં હવે ૨૦૧૭-’૧૮નાં પરિણામોની બાદબાકી કરી નાખવામાં આવી છે અને મે ૨૦૨૦ પછી રમાયેલી બધી મૅચોને ૧૦૦ ટકા વેઇટેજ, જ્યારે એ પહેલાંનાં બે વર્ષનાં પરિણામોને ૫૦ ટકા વેઇટેજ મળશે. આમ ૨૦૧૭-’૧૮માં ઑસ્ટ્રેલિયામાં ઇંગ્લૅન્ડને મળેલી ૦-૪થી કારમી હારથી આ રેન્કિંગની ગણતરીમાંથી નીકળી જતાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને ચોથા ક્રમાંકે ધકેલીને પોતે ત્રીજા ક્રમાંકે પહોંચી ગયું છે. હવે ઇંગ્લૅન્ડના ૧૦૯ રેટિંગ પૉઇન્ટ થયા છે, જ્યારે ઑસ્ટ્રેલિયાના ૧૦૮. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સામેની જીતને લીધે પાકિસ્તાનને ત્રણ પૉઇન્ટ મળ્યા છે, પણ તેઓ ૯૪ રેટિંગ પૉઇન્ટ સાથે પાંચમા નંબરે જ રહ્યા હતા, જ્યારે બંગલા દેશ સામે ૨-૦ અને શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝ ૦-૦થી ડ્રૉ રહેતાં વેસ્ટ ઇન્ડીઝ બે ક્રમાંકની ચડતી સાથે છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગયું છે. ૨૦૧૩ બાદ વેસ્ટ ઇન્ડીઝનો ટેસ્ટ રૅન્કિંગ્સમાં આ બેસ્ટ ક્રમાંક બની ગયો છે. 

સાઉથ આફ્રિકા સાતમા ક્રમાંકે ધકેલાઈ ગયું હતું અને આ સાથે ટેસ્ટ રૅન્કિંગ્સના ઇતિહાસમાં તેમના લોએસ્ટ રૅન્કની બરોબરી કરી હતી. શ્રીલંકા આઠમા, બંગલા દેશ નવમા અને ઝિમ્બાબ્વે ૧૦મા ક્રમાંકે છે. 

cricket news sports news international cricket council team india india virat kohli