પાંચ આઇસોલેટેડ પ્લેયર્સ સાથે આજે સિડની જશે ટીમ ઇન્ડિયા

04 January, 2021 04:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ આઇસોલેટેડ પ્લેયર્સ સાથે આજે સિડની જશે ટીમ ઇન્ડિયા

રિષભ પંત

ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મૅચ રમવા માટે ટીમ ઇન્ડિયા આજે સિડની જવા રવાના થશે. ટીમ ઇન્ડિયા સાથે આઇસોલેટ થયેલા ટીમ ઇન્ડિયાના પાંચ પ્લેયર્સ રોહિત શર્મા, રિષભ પંત, પૃથ્વી શૉ, શુભમન ગિલ અને નવદીપ સૈની પણ સિડની જશે.

આ પાંચેપાંચ પ્લેયર્સે હોટેલમાં જમીને બાયો બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હોવાના સંદર્ભે ટિપ્પણી કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના અધિકારીએ કહ્યું કે ‘જો તમે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સ્ટેટમેન્ટને ધ્યાનપૂર્વક વાંચો તો તેમણે નથી કહ્યું કે આ નિયમોનું ઉલ્લંઘન છે, પણ તેઓ તપાસ કરવા માગે છે કે શું આ ખરેખર નિયમોનું ઉલ્લંઘન છે. માટે આ પાંચેપાંચ પ્લેયરના સિડનીના પ્રવાસ પર કોઈ જાતનો પ્રતિબંધ નથી. આજે બપોરે આખી ટીમ સિડની માટે રવાના થશે.’

સામા પક્ષે બીસીસીઆઇના કાર્યકારી મૅનેજર ગિરીશ ડોંગરે પર તલવાર ચાલી શકે છે. ઇન્ડિયન પ્લેરોને કોવિડ પ્રોટોકોલથી અવગત કરાવવાનું કામ ગિરીશ ડોંગરેનું હતું. જોકે પ્લેયર્સ પ્રોટોકોલના દરેકેદરેક નિયમોને અક્ષરશઃ યાદ ન રાખી શકે અને તેમને નિયમથી અવગત કરાવવાનું કામ ડોંગરેને સોંપવામાં આવ્યું હતું એવી ટિપ્પણી બીસીસીઆઇએ પોતાના સ્ટેટમેન્ટમાં કરી હતી.

ન્યુ સાઉથ વેલ્સ (સિડની) અને ક્વીન્સલૅન્ડ (ગાબા સ્ટેડિયમ) વચ્ચેની સરહદ કોરોનાને કારણે બંધ હોવાને લીધે ત્રીજી અને ચોથી ટેસ્ટ મૅચના સ્ટેડિયમ નક્કી કરવા માટે તકલીફ ઊભી થઈ રહી છે. હાલમાં તો ચોથી ટેસ્ટ મૅચ બ્રિસ્બેનમાં રમાશે એમ ધારીને જ આયોજકો આગળ વધી રહ્યા છે. જો આ ચોથી ટેસ્ટ મૅચ ગાબા સ્ટેડિયમમાં યોજાશે તો ભારતીય ટીમ માટે ફરજિયાત ક્વૉરન્ટીન પિરિયડ લાગુ કરવામાં આવશે જે સિડની ટેસ્ટથી જ અમલમાં આવી જશે.

sports sports news cricket news india australia test cricket