બુમરાહની બાદબાકી શમી માટે શુકનિયાળ?

06 October, 2022 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોચ દ્રવિડ અને કૅપ્ટન રોહિતે સંકેત આપ્યો છે કે બુમરાહનું સ્થાન લેવા માટે શમી અગ્રેસર

મોહમ્મદ શમી

ઑસ્ટ્રેલિયામાં આગામી ૧૬ ઑક્ટોબરે શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે તમામ દેશોએ ટીમ જાહેર કરી છે, પરંતુ ઈજા કે અન્ય કોઈ કારણસર જો કોઈ ખેલાડી એમાં ન રમવાનો હોય તો તેના બદલે અન્ય ખેલાડીને ટીમમાં સમાવવા આઇસીસીએ બધાં રાષ્ટ્રોને ૧૫ ઑક્ટોબર સુધીનો સમય આપ્યો છે. યૉર્કર સ્પેશ્યલિસ્ટ જસપ્રીત બુમરાહ ઈજાને કારણે વિશ્વકપની બહાર થઈ ગયો છે એટલે તેના સ્થાને કોને રમવાનો મોકો મળી શકે એ વિશે અટકળો થઈ રહી છે. જોકે હેડ-કોચ રાહુલ દ્રવિડ તથા કૅપ્ટન રોહિત શર્માએ સીધો સંકેત આપ્યો છે કે મોહમ્મદ શમીને વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે.

શમી આ પહેલાં ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ ગયા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન રમ્યો હતો. ગયા મહિને તે કોવિડ-૧૯ના વાઇરસનો શિકાર થયો હતો અને ઘણા દિવસ સુધી તેનો નેગેટિવ રિપોર્ટ ન આવતાં તેને ઘરઆંગણે રમાયેલી ટી૨૦ સિરીઝોમાં નહોતું રમવા મળ્યું. જોકે હાલમાં તે બૅન્ગલોરમાં છે જ્યાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં તેની ફિટનેસની ચકાસણી થઈ રહી છે. શમી ઉપરાંત દીપક ચાહર પણ વર્લ્ડ કપ માટેના રિઝર્વ્ડ પ્લેયર્સમાં સામેલ છે. દ્રવિડે ગઈ કાલે પત્રકારોને કહ્યું કે ‘બુમરાહનો અનુગામી શોધવા અમારી પાસે હજી ૧૫મી સુધીનો સમય છે. અમે શમીની ફિટનેસની બાબતમાં છેલ્લામાં છેલ્લી માહિતી મેળવી રહ્યા છીએ.’

રોહિતે પણ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટી૨૦ પછી શમીના નામ વિશે અણસાર આપતાં કહ્યું કે ‘અમારે બુમરાહના સ્થાને અનુભવી બોલરને જ પસંદ કરવો જોઈશે. એવો અનુભવી બોલર જેણે ઑસ્ટ્રેલિયામાં ઘણી બોલિંગ કરી હોય.’

શમીનો ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પર્ફોર્મન્સ કેવો છે?

(૧) મોહમ્મદ શમી ઘણી વાર ઑસ્ટ્રેલિયામાં રમ્યો છે.
(૨) ભારતે ત્યાં જીતેલી બે ટેસ્ટ-શ્રેણીની ટીમમાં તે હતો.
(૩) ૨૦૧૫ના ઓડીઆઇ વર્લ્ડ કપના ટોચના પાંચ બોલર્સમાં શમી ૧૭ વિકેટ સાથે ચોથા નંબર પર હતો.

sports sports news cricket news indian cricket team rohit sharma mohammed shami jasprit bumrah t20 world cup