રણજી ટ્રોફીમાં નવી ઊર્જા લાવ્યા, આશા છે કે આ એક આદત બની જાય

05 February, 2025 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફીમાં સ્ટાર ક્રિકેટર્સની હાજરીની પ્રશંસા કરતાં સુનીલ ગાવસકર કહે છે...

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકરે રણજી ટ્રોફીના અંતિમ રાઉન્ડમાં સ્ટાર ક્રિકેટર્સની હાજરી પર કમેન્ટ કરી છે. જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ થયેલા રણજી ટ્રોફીના બીજા તબક્કામાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, પ્રસિદ્ધ કૃષ્ણ, દેવદત્ત પડિક્કલ અને કુલદીપ યાદવ જેવા પ્લેયર્સ પોતપોતાનાં રાજ્યની ટીમ તરફથી રણજી મૅચ રમ્યા હતા.

મિડ-ડે ઇંગ્લિશની કૉલમમાં ગાવસકર લખે છે, ‘ભારતીય ટીમના પ્લેયર્સે રણજી ટ્રોફીમાં ફક્ત BCCI દ્વારા કહેવામાં આવેલાં આવશ્યક કાર્યો પૂર્ણ કરવા માટે ભાગ લીધો હશે, પણ આમ કરીને તેઓ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં નવી ઊર્જા લાવ્યા છે. તેઓ ટુર્નામેન્ટમાં સફળ વાપસી ન કરી શક્યા હોય તો પણ તેમની હાજરી તેમના સાથી પ્લેયર્સ અને હરીફને ઉત્સાહિત કરશે. તેમને મળવાથી અને તેમની સાથે સમય વિતાવવાથી સાથી પ્લેયર્સને તેમની કરીઅરમાં સફળ થવા વિશે ઘણું શીખવા મળશે.’

ગાવસકર આગળ લખે છે, ‘કલ્પના કરો કે જાયસવાલ, શર્મા, કોહલી, રાહુલ જેવા સ્ટાર પ્લેયર્સની વિકેટ લેનારા બોલરો કેવી શરૂઆત કરશે. તેઓ અન્ય બૅટ્સમૅન પર હુમલો કરવા માટે ઉત્સુક હશે, કારણ કે તેઓ જાણે છે કે તેમણે ભારતના ટોચના પ્લેયર્સની વિકેટ લીધી છે. સ્ટાર પ્લેયર્સ માટે પણ તેમના સંઘર્ષની મહાન યાદો પાછી આવશે. અમે આશા રાખીએ છીએ કે આ એક આદત બની જાય છે.’

sunil gavaskar ranji trophy indian cricket team rohit sharma virat kohli Rishabh Pant ravindra jadeja mohammed siraj yashasvi jaiswal cricket news sports news sports