પાકિસ્તાન માટે ભારતની B ટીમને હરાવવાનું પણ ખૂબ જ મુશ્કેલ બનશે : સુનીલ ગાવસકર

27 February, 2025 06:55 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારતીય પ્લેયર્સ રણજી ટ્રોફીમાં રમ્યા છે અને આખરે ભારત માટે રમ્યા છે. પાકિસ્તાન ક્રિકેટે આનું વિશ્લેષણ કરવું જોઈએ

સુનીલ ગાવસકર

ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થનાર યજમાન પાકિસ્તાનને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે પણ પાકિસ્તાનના પ્લેયર્સની મશ્કરી કરી છે. તે કહે છે, ‘ભારતની B ટીમ ચોક્કસપણે પાકિસ્તાનને કઠિન લડાઈ આપી શકે છે. મને C ટીમ વિશે ખાતરી નથી, પરંતુ હાલના ફૉર્મને ધ્યાનમાં લેતાં પાકિસ્તાન માટે ભારતની B ટીમને હરાવવી પણ ખૂબ મુશ્કેલ બનશે. મને લાગે છે કે બેન્ચ-સ્ટ્રેંગ્થનો અભાવ આશ્ચર્યજનક છે. પાકિસ્તાને હંમેશાં કુદરતી પ્રતિભાઓ પેદા કરી છે. સ્વાભાવિક રીતે તેઓ હંમેશાં ટેક્નિકલી સાચા ન પણ હોય, પરંતુ તેમને બૅટ અને બૉલની જન્મજાત સમજ હતી. પાકિસ્તાન સુપર લીગ અને વાઇટ-બૉલ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ હોવા છતાં પાકિસ્તાન ગુણવત્તાયુક્ત પ્લેયર્સ ઉત્પન્ન કરવામાં સંઘર્ષ કરી રહ્યું છે. ભારતે વાઇટ-બૉલ ક્રિકેટમાં આટલા બધા યુવા સ્ટાર્સ કેવી રીતે ઉત્પન્ન કર્યા? આ IPLના કારણે છે. ભારતીય પ્લેયર્સ રણજી ટ્રોફીમાં રમ્યા છે અને આખરે ભારત માટે રમ્યા છે. પાકિસ્તાન ક્રિકેટે આનું વિશ્લેષણ કરવું જોઈએ. તેમને શોધવાની જરૂર છે કે તેમની પાસે પહેલા જેવી બેન્ચ-સ્ટ્રેંગ્થ કેમ નથી રહી.’

champions trophy india pakistan sunil gavaskar international cricket council cricket news sports news sports