સુનીલ ગાવસકરે બ્રિટિશ કૉમેન્ટેટરને મજાકમાં કહ્યું, ‘અમને અમારો કોહિનૂર પાછો અપાવો’

12 April, 2022 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઝાદી મળતાં જ ભારતે બ્રિટિશરો પાસે કોહિનૂર માગ્યો હતો અને ત્યારથી સમયાંતરે બ્રિટિશરો પાસે એ પાછો માગવામાં આવી રહ્યો છે

સુનીલ ગાવસકર

ક્રિકેટની બાબતમાં ખૂબ ઊંડાણપૂર્વકના અભ્યાસથી ક્રિકેટરસિકોને રસપ્રદ જાણકારી આપવા, સુંદર વિશ્લેષણ રજૂ કરવા અને અનુભવ પરથી વિશેષ વાતો જણાવવા માટે ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર જાણીતા છે. જોકે ક્યારેક રમૂજ અને મજાક કરી લેવાનું પણ તેઓ ચૂકતા નથી. રવિવારે વાનખેડેમાં રાજસ્થાન અને લખનઉ વચ્ચે મૅચ રમાઈ રહી હતી ત્યારે સનીએ ઇંગ્લૅન્ડના સાથી-કૉમેન્ટેટર ઍલન વિલ્કિન્સને મજાકમાં કહ્યું, ‘બ્રિટિશ સરકારમાં તમારી વગ વાપરીને અમને અમારો કોહિનૂર પાછો અપાવોને! અમે કેટલા બધા દાયકાઓથી એની રાહ જોઈ રહ્યા છીએ.’
ગાવસકર કૉમેન્ટરી દરમ્યાન વાનખેડેની નજીકના સુંદર મરીન ડ્રાઇવ વિસ્તારની વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ક્વીન્સ નેકલેસ સાથે સરખાવી રહ્યા હતા ત્યારે વિલ્કિન્સે પણ એ વાતમાં રસ લીધો હતો અને ત્યારે સનીએ કૉહિનૂર વિશેની કમેન્ટ કરી હતી.

ભારત પરના શાસન દરમ્યાન બ્રિશિટરો વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ્સમાં ગણાતો કોહિનૂર લઈ ગયા હતા. આઝાદી મળતાં જ ભારતે બ્રિટિશરો પાસે કોહિનૂર માગ્યો હતો અને ત્યારથી સમયાંતરે બ્રિટિશરો પાસે એ પાછો માગવામાં આવી રહ્યો છે.

sports sports news cricket news indian premier league sunil gavaskar