વૉર્નર વન-ડેમાં ૯૯ રને સ્ટમ્પ-આઉટ થયેલો લક્ષ્મણ પછીનો બીજો ખેલાડી

23 June, 2022 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે શ્રીલંકાએ સિરીઝમાં ૩-૧થી વિજયી સરસાઈ મેળવી હતી

ડેવિડ વૉર્નર મંગળવારે ઑફ-સ્પિનર ધનંજય ડિસિલ્વાના બૉલમાં રમવાનું ચૂકી જતાં ક્રીઝની બહાર ઑવર-બૅલૅન્સ્ડ થઈ ગયો હતો અને ડિકવેલાએ તેને સ્ટમ્પ-આઉટ કરી દીધો હતો. પાછા જતી વખતે વૉર્નરે બૅટ ઉછાળીને આ રીતે વિકેટ ગુમાવ્યા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. વૉર્નરના ૯૯ રન એળે ગયા હતા, કારણ કે ઑસ્ટ્રેલિયાની ટીમ મૅચના છેલ્લા બૉલે હારી ગઈ હતી. (એ.એફ.પી.)

વન-ડેની ૧૩ વર્ષની કરીઅરમાં ૧૮ સદી ફટકારી ચૂકેલા અને બે વખત નર્વસ નાઇન્ટીઝનો શિકાર થયેલા ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરે મંગળવારે વીવીએસ લક્ષ્મણના એક અનિચ્છનીય રેકૉર્ડની બરોબરી કરી હતી. તે વન-ડેમાં ૯૯ રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટમ્પ-આઉટમાં વિકેટ ગુમાવનાર લક્ષ્મણ પછીનો બીજો બૅટર બન્યો હતો. 

કોલંબોમાં શ્રીલંકા ચરિથા અસલન્કાના ૧૧૦ રનની મદદથી ૪૯ ઓવરમાં ૨૫૮ રને ઑલઆઉટ થયું ત્યાર પછી ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં વૉર્નરનું સૌથી મોટું યોગદાન હતું. ઑસ્ટ્રેલિયન ટીમે ૫૦મી ઓવરના છેલ્લા બૉલે ૧૦મી વિકેટ ગુમાવી એ સાથે શ્રીલંકાએ સિરીઝમાં ૩-૧થી વિજયી સરસાઈ મેળવી હતી. ૩૮મી ઓવરના પ્રથમ બૉલમાં વૉર્નરની પડેલી વિકેટ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો. શ્રીલંકાની ઇનિંગ્સમાં ખુદ સ્ટમ્પ-આઉટ થયેલા વિકેટકીપર નિરોશાન ડિકવેલાએ ધનંજય ડિસિલ્વાના બૉલને સ્ટમ્પિંગમાં વૉર્નરની વિકેટ અપાવી હતી. વૉર્નર ક્રીઝની બહાર ઓવર-બૅલૅન્સ્ડ થઈ જતાં ડિકવેલાએ ફાયદો લઈને તેની બેલ્સ ઉડાડી દીધી હતી. ૨૦૧૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ૯૮ રને વિકેટ ગુમાવનાર વૉર્નરે મંગળવારે ૯૯ રન બનાવ્યા છતાં ઑસ્ટ્રેલિયા વિજયની નજીક પહોંચી જવા છતાં લાસ્ટ બૉલે હારી ગયું હતું.

વન-ડે ક્રિકેટમાં કુલ ૩૫ બૅટર ૯૯ રને વિકેટ ગુમાવી ચૂક્યા છે, પરંતુ લક્ષ્મણ અને વૉર્નર ૯૯ રને સ્ટમ્પ-આઉટ થનારા માત્ર બે પ્લેયર છે. નવેમ્બર ૨૦૦૨માં લક્ષ્મણ ક્રિસ ગેઇલના બૉલમાં ૯૯ રને રિડ્લી જેકબ્સના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો. ૨૦ વર્ષે વૉર્નરે તેના રેકૉર્ડની બરોબરી કરી છે.

sports sports news cricket news sri lanka australia