કોલંબોમાં બાવીસમાંથી પંદર પ્લેયરે કરી બોલિંગ

23 June, 2022 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ૭ અને એ પછી શ્રીલંકાના ૮ બોલરે બોલિંગ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે કોલંબોમાં શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી વન-ડેમાં કુલ ૧૫ ખેલાડીએ બોલિંગ કરી હતી. ઑસ્ટ્રેલિયાના ૭ અને એ પછી શ્રીલંકાના ૮ બોલરે બોલિંગ કરી હતી. ૪૯ ઓવરમાં ૨૫૮ રન બનાવનાર શ્રીલંકાના ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના નવા લેફ્ટ-આર્મ સ્પિનર મૅથ્યુ કુહનેમૅન, પૅટ કમિન્સ અને મિચલ માર્શે બે-બે વિકેટ લીધી હતી. ગ્લેન મૅક્સવેલને એક વિકેટ મળી હતી, જ્યારે જૉશ હેઝલવુડ, કૅમેરન ગ્રીન અને માર્નસ લબુશેનને વિકેટ નહોતી મળી.

૨૫૯ રનના લક્ષ્યાંક સામે ૫૦મી ઓવરના આખરી બૉલમાં (કૅપ્ટન દાસુન શનાકાના બૉલમાં કુહનેમૅનની વિકેટ પડતાં) ૨૫૪ રનના સ્કોરે ઑલઆઉટ થનાર ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં શ્રીલંકાના ધનંજય ડિસિલ્વા, ચમિકા કરુણારત્ને અને જેફરી વૅન્ડરસેએ બે-બે વિકેટ લીધી હતી. મહીશ થીકશાના, વનિન્દુ હસરંગા, દુનિથ વેલાલાગે અને દાસુન શનાકાને એક-એક વિકેટ મળી હતી, જ્યારે એકમાત્ર ચરિથ અસલાન્કાને વિકેટ નહોતી મળી.

શ્રીલંકાએ વન-ડે સિરીઝ ૩-૧થી જીતી લેતાં હવે આવતી કાલની પાંચમી અને આખરી મૅચ અર્થ વિનાની છે. વન-ડે શ્રેણી પછી બન્ને દેશની ટીમ બે મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ગૉલ શહેર જશે.

110
મંગળવારે ઑસ્ટ્રેલિયા સામે આટલા રન બનાવનાર શ્રીલંકાના ચરિથ અસલાન્કાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

30
શ્રીલંકા આટલાં વર્ષે ઘરઆંગણે ફરી ઑસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ જીત્યું. ૧૯૯૨માં કાંગારૂઓ સામે શ્રીલંકનો ૨-૧થી જીત્યા હતા. એમાં અરવિંદ ડિસિલ્વાએ હાઇએસ્ટ ૨૦૭ રન બનાવ્યા હતા. ચંપકા રમાનાયકેની ૫ વિકેટ હાઇએસ્ટ હતી.

sports sports news cricket news sri lanka australia