24 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે કે ‘ભારતીય ટીમના કોચ વિશે વિચાર્યું નથી કારણ કે હું અલગ-અલગ ભૂમિકાઓમાં રહ્યો છું. મેં ૨૦૧૩માં સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાનું બંધ કર્યું અને પછી BCCIનો પ્રમુખ બન્યો. હું ઑલમોસ્ટ ૫૩ વર્ષનો છું. જોઈએ શું થાય છે. મને કોઈ વાંધો નથી.’
વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર વિશે સૌરવ ગાંગુલી કહે છે, ‘ગૌતમ સારું કામ કરી રહ્યો છે. અમે જ્યારે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યા ત્યારે શરૂઆત ધીમી હતી પરંતુ ચૅમ્પિયન્સ ટ્રોફી પછી તેમને પોતાનો લય મળી ગયો. હું તેમની સાથે રમ્યો છું. તેમણે હંમેશાં મને અને સિનિયર પ્લેયર્સને ખૂબ માન આપ્યું છે. તેમના કામ પ્રત્યે હજી પણ ઘણો જુસ્સો છે.’
સૌરવ ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ૨૦૨૬માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોઈ રાજકીય પક્ષમાં જોડાશે? રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની ઑફર કરવામાં આવે તો શું થશે? ત્યારે તેમણે હસીને માત્ર એક જવાબ આપ્યો કે ‘મને કોઈ રસ નથી.’
વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી ફિટ રહેવું અને ટીમમાં સ્થાન બનાવવું સરળ નહીં હોય : ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી