19 May, 2025 11:32 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફાઇનલનું આયોજન થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને બંગાળ ક્રિકેટ અસોસિએશન (CAB)નાે ભૂતપૂર્વ પ્રમુખ ગાંગુલી કહે છે કે ‘અમે પ્રયાસ કરી રહ્યા છીએ. શું ફાઇનલ ટ્રાન્સફર કરવી એટલી સરળ છે? આ ઈડનનો પ્લેઑફ છે અને મને ખાતરી છે કે બધું બરાબર થશે.’
ફૅન્સ દ્વારા ઈડન ગાર્ડન્સની બહાર પોસ્ટર લઈને ફાઇનલ કલકત્તામાં રમવાની માગણી વિશે પ્રિન્સ ઑફ કલકત્તા તરીકે જાણીતાે સૌરવ ગાંગુલી કહે છે, વિરોધ બહુ ઉપયોગી થતો નથી. CABના BCCI સાથે ખૂબ સારા સંબંધો છે. IPLના મૂળ શેડ્યુલ મુજબ ઈડન ગાર્ડન્સમાં ક્વૉલિફાયર-ટૂ (૨૩ મે) અને ફાઇનલ મૅચ (પચીસમી મે) યોજાવાની હતી. જોકે હવે ૨૯ મેથી ત્રીજી જૂન વચ્ચે આયોજિત પ્લેઑફ મૅચનાં વેન્યુ હજી જાહેર કરવામાં આવ્યાં નથી.
રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે શું બોલ્યા દાદા?
દાદાના હુલામણા નામથી જાણીતા ગાંગુલીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટ-રિટાયરમેન્ટ બાદ અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે ‘આ તેમનો પોતાનો નિર્ણય છે. શું કોઈ વ્યક્તિ પોતાની મરજી વિરુદ્ધ રમત છોડી શકે છે? પરંતુ તેમની એક અદ્ભુત કરીઅર રહી છે અને કોહલીની નિવૃત્તિથી મને આશ્ચર્ય થયું હતું.’ આગામી ટેસ્ટ-કૅપ્ટન વિશે વાત કરતાં ગાંગુલી કહે છે, ‘આ એક એવો નિર્ણય છે જેના પર સિલેક્ટર્સે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. એના ઘણા ફાયદા અને ગેરફાયદા છે. તેમણે લાંબા ગાળાનો વિચાર કરવો પડશે.’