લગ્ન રદ થવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે ફરી મેદાન પર ઊતરી સ્મૃતિ માન્ધના

09 December, 2025 11:35 AM IST  |  Sangli | Gujarati Mid-day Correspondent

સ્મૃતિના ઇન્સ્ટા-બાયોમાંથી નઝર ઇમોજી ગાયબ, પલાશે વેડિંગ-પ્રપોઝલની પોસ્ટ હટાવી દીધી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

બૉલીવુડના સંગીતકાર પલાશ મુચ્છલ સાથેનાં લગ્ન રદ થયાં હોવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે ક્રિકેટર સ્મૃતિ માન્ધનાએ મેદાન પર ઊતરીને સૌને ચોંકાવ્યા છે. ગઈ કાલે સ્મૃતિના ભાઈ શ્રવણ માન્ધનાએ એક ફોટો શૅર કર્યો હતો જે સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. આ ફોટોમાં સ્મૃતિ ક્રિકેટરના સંપૂર્ણ ડ્રેસ, હેલ્મેટ અને પૅડ પહેરીને નેટમાં બૅટિંગ કરતી જોવા મળી હતી. 
ભૂતકાળને ભૂલીને ભવિષ્યને ભવ્ય બનાવવા તરફના સ્મૃતિના આ પ્રયાસની ક્રિકેટ-ફૅન્સે ભારે પ્રશંસા કરી છે. ભારતની આ વાઇસ કૅપ્ટન ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન શ્રીલંકા સામે ઘરઆંગણે આયોજિત પાંચ મૅચની T20 સિરીઝ રમવા ઊતરશે. વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય વિમેન્સ ટીમની આ પહેલી સિરીઝ રહેશે.

સ્મૃતિના ઇન્સ્ટા-બાયોમાંથી નઝર ઇમોજી ગાયબ, પલાશે વેડિંગ-પ્રપોઝલની પોસ્ટ હટાવી દીધી

લગ્ન રદ થયા બાદ એકબીજાને અનફૉલો કરનાર સ્મૃતિ-પલાશના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મોટો ફેરફાર થયો છે. સ્મૃતિએ પોતાના બાયોમાં પલાશની જેમ મૂકેલી નઝરની ઇમોજી હટાવી દીધી છે. હવે તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર પલાશના કોઈ ફોટો જોવા નથી મળી રહ્યા. પલાશ અને તેની નજીકના લોકો પણ હવે સ્મૃતિ માન્ધનાના ફૉલોઇંગ-લિસ્ટમાં સામેલ નથી.

પલાશે પોતાના ઇસ્ટાગ્રામ પરથી સ્મૃતિને સ્ટેડિયમમાં પ્રપોઝ કરતો વિડિયો અને સ્મૃતિ માટે કરાવેલા SM18 ટૅટૂનો ફોટો ઉપરાંત વેડિંગની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જોકે સ્મૃતિ સાથેના કેટલાક જૂના ફોટો હજી પણ તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર છે.

ભારતીય ક્રિકેટર્સ જેમિમા રૉડ્રિગ્સ, રાધા યાદવ, શ્રેયન્કા પાટીલ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ યાદવ, રિચા ઘોષે પણ પલાશને અનફૉલો કર્યો છે. પલાશના ફૉલોઇંગ-લિસ્ટમાંથી ઑલમોસ્ટ તમામ ભારતીય મહિલા ક્રિકેટર્સ ગાયબ છે, પરંતુ એ હજી પણ સ્મૃતિનાં મમ્મી-પપ્પાના અકાઉન્ટને ફૉલો કરી રહ્યો છે.

smriti mandhana celebrity wedding relationships palaash muchhal india indian womens cricket team sri lanka cricket news sports sports news