19 April, 2026 10:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
શુક્રવારે ડરબનમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમે ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. ભારતીય ટીમે જેમિમા રૉડ્રિગ્સના ૪૭ રનના આધારે ૭ વિકેટ ગુમાવીને ૧૫૭ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમે કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટના ૫૧ રનના આધારે ૧૯.૧ ઓવરમાં ૧૫૮-૪નો સ્કોર કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી. આજે ડરબનમાં જ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યે સિરીઝની બીજી મૅચ શરૂ થશે. પહેલી મૅચમાં વાઇસ-કૅપ્ટન અને ઓપનર સ્મૃતિ માન્ધના ૧૪ બૉલમાં એક સિક્સના આધારે માત્ર ૧૩ રન કરી શકી હતી. જોકે આ નાનકડી ઇનિંગ્સની મદદથી તે ભારતની નંબર-વન T20 બૅટર બની ગઈ છે. T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે હાઇએસ્ટ રન કરવા મામલે તેણે રોહિત શર્માના (૧૫૯ મૅચમાં ૪૨૩૧ રન) રેકૉર્ડને તોડ્યો હતો. સ્મૃતિ માન્ધનાએ ૧૬૧ મૅચમાં ભારત માટે ૪૨૪૪ રન કર્યા છે. આ દરમ્યાન તેણે એક સદી અને ૩૩ ફિફ્ટી પણ ફટકારી છે.
|
T20 ઇન્ટરનૅશનલમાં સ્મૃતિ માન્ધના |
|
|
મૅચ |
૧૬૧ |
|
રન |
૪૨૪૪ |
|
ફોર |
૫૭૦ |
|
સિક્સ |
૮૪ |
|
સદી |
૧ |
|
ફિફ્ટી |
૩૩ |
|
ઍવરેજ |
૩૦.૩૧ |
|
સ્ટ્રાઇક-રેટ |
૧૨૪.૩૮ |
ફેબ્રુઆરી ૨૦૨૬માં સ્મૃતિએ રોહિત શર્માના ૪૨૩૧ રનના રેકૉર્ડની બરાબરી કરી હતી. એ સમયે ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા સામેની ૮૨ રનની ઇનિંગ્સથી તેણે વિરાટ કોહલી (૧૨૫ મૅચમાં ૪૧૮૮ રન)નો રેકૉર્ડ તોડ્યો હતો. T20 ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ રન કરવાના મામલે ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ ૧૭૫ મૅચમાં ૪૭૧૭ રન સાથે પહેલા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ લિસ્ટમાં ૧૩૬ મૅચમાં ૪૫૯૬ રન સાથે બીજા ક્રમે છે.