અમદાવાદમાં મુંબઈના ૧૦૦ ફેરિયાઓને ચાંદી જ ચાંદી

28 May, 2022 02:04 PM IST  |  Mumbai | Shailesh Nayak

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કોહલીનાં ટીશર્ટનું ધૂમ વેચાણ

અમદાવાદમાં મુંબઈના ૧૦૦ ફેરિયાઓને ચાંદી જ ચાંદી

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્વૉલિફાયર-ટૂની મૅચ મુંબઈના ફેરિયાઓ માટે ચાંદી બની ગઈ હતી. રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની ટક્કર પહેલાં જ સ્ટેડિયમની બહાર ઊભેલા મુંબઈના ફેરિયાઓ પાસેથી વિરાટ કોહલીના ચાહકોની ‘વિરાટ’ લખેલાં ટીશર્ટની ડિમાન્ડ હતી અને એવા અનેક ટીશર્ટ વેચાઈ ગયા હતા. ચર્ચગેટ, ચર્ની રોડ, ગિરગાંવ સહિતના વિસ્તારોમાંથી યુવતીઓ સહિત ૧૦૦થી વધુ ફેરિયાઓ સ્ટેડિયમની બહાર ‘વિરાટ કોહલી’ લખેલાં ટીશર્ટ, કૅપ અને મોઢેથી વગાડવાનાં ભૂંગળાં વેચતા જોવા મળ્યાં હતાં. ચર્ચગેટના ભલ્લા યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિરાટ કોહલીનાં ટીશર્ટની ડિમાન્ડ છે. પ્રેક્ષકો એની માગણી કરી રહ્યા છે. ટીશર્ટ ૨૦૦ રૂપિયામાં અને કૅપ ૧૦૦ રૂપિયામાં વેચીએ છીએ. વિરાટ કોહલી રમવાનો હોવાથી અમે તેના નામનાં ટીશર્ટ લઈને વેચવા આવ્યા છીએ. અમને હતું જ કે વિરાટ કોહલીના ચાહકો આવવાના હોવાથી એની ડિમાન્ડ રહેશે.’
ચર્ની રોડના અજય પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોહલીનાં ટીશર્ટની ડિમાન્ડ સૌથી વધુ હતી. એક મૅચમાં અમે ટીશર્ટ અને કૅપ વેચીને ૧૦થી ૧૫ હજાર કમાઈ લઈએ છીએ. અહીં મૅચ હોય ત્યારે અમે ટીશર્ટ વેચવા આવીએ છીએ. અમારી જેમ મુંબઈથી ૧૦૦થી વધુ ફેરિયા અહીં રોજીરોટી મેળવવા આવ્યા છીએ. અમને ખુશી છે કે વિરાટના નામનાં ટીશર્ટ વેચાઈ રહ્યાં છે.’ 

cricket news sports news sports shailesh nayak