શ્રીલંકા સામેની સિરીઝમાં ધવન કૅપ્ટન, ચેતન સાકરિયાને મોકો

12 June, 2021 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે રાતે જાહેર થયેલી ટીમમાં ભુવનેશ્વર વાઇસ કૅપ્ટન, ઉનડકટ, જૅક્સન અને તેવટિયાની અવગણના

શિખર ધવન

મેઇન ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં વ્યસ્ત હોવાથી જુલાઈમાં શ્રીલંકાની ટૂર માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં નવા ચહેરાઓને તક અને ટીમના કૅપ્ટન તરીકે ઓપનર શિખર ધવનની અને વાઇસ કૅપ્ટન તરીકે ભુવનેશ્વરકુમારની પસંદગી કરવામાં આવી હતી. રાહુલ દ્રવિડ ટીમનો હેડ કોચ હશે. પોતાની પહેલી જ આઇપીએલ સીઝનમાં બોલિંગ અને ફીલ્ડિંગ વખતે વાહવાહી મેળવનાર સૌરાષ્ટ્રનો લિફટી પેસ બોલર ચેતન સાકરિયા ઉપરાંત દેવદત્ત પડિક્કલ, ક્રિષ્ણા ગૌતમ, નીતીશ રાણા અને ઋતુરાજ ગાયકવાડ મળી કુલ પાંચ ખેલાડીને પહેલી વાર નૅશનલ ટીમમાં એન્ટ્રી મળી છે.

નેટ-બોલર્સ

સિરીઝમાં નેટ-બોલર તરકે ઈશાન પૉરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજિત સિંહની પણ પસંદગી કરવામાં આવી છે.

અવગણના

ભારતની ‘બી’ ટીમમાં પણ ડોમેસ્ટિક સીઝન ગજવી રહેલા જયદેવ ઉનડકટ અને શેલ્ડન જેક્સનની અવગણના કરવામાં આવી છે. જોકે બન્ને ૩૦ કરતાં વધુ ઉંમરના હોવાથી તેમને મોકો નથી આપવામાં આવ્યો. આ ઉપરાંત ઑલરાઉન્ડર રાહુલ તેવટિયાનું નામ પણ આ ટીમ માટે ચર્ચામાં હતું, પરંતુ તેને પણ સિલેક્ટ નથી કરવામાં આવ્યો.

શેડ્યુલ

ભારત-શ્રીલંકા વચ્ચે ૧૩, ૧૬ અને ૧૮મી જુલાઈએ વન-ડે અને ૨૧, ૨૩ તથા ૨૫ જુલાઈએ ટી૨૦ જંગ જામશે. બધી મૅચો કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ

શિખર ધવન (કૅપ્ટન), ભુવનેશ્વરકુમાર (વાઇસ કૅપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, ક્રિષ્ણા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચાહર, નવદીપ સૈની અને ચેતન સાકરિયા.

પપ્પાને મિસ કરી રહ્યો છું: ચેતન

સૌરાષ્ટ્રના યુવા પેસ બોલર ચેતન સાકરિયા માટે છેલ્લું એક વર્ષ ભારે ઉતાર-ચડાવવાળું રહ્યું છે. પહેલાં નાના ભાઈની આત્મહત્યા, આઇપીએલનો ૧.૨૦ કરોડનો કૉન્ટ્રૅક્ટ, થોડા દિવસ પહેલાં તેના પપ્પાનું કોરોનાને લીધે મૃત્યુ અને હવે નૅશનલ ટીમમાં સિલેક્શન. ચેતને કહ્યું હતું કે ‘આજે મારા પપ્પા હયાત હોત તો કેટલું સારું થાત. તેઓ મને ભારતીય ટીમમાં રમતો જોવા માગતા હતા. આજે તેમને હું ખૂબ મિસ કરી રહ્યો છું. મારા માટે આ છેલ્લું એક વર્ષ ભારે ઉતાર-ચડાવવાળું રહ્યું છે.’

sports sports news cricket news india sri lanka