05 October, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્માને બદલે હવે શુભમન ગિલ નવો ODI કૅપ્ટન
ઑસ્ટ્રેલિયા સામે ૧૯ ઑક્ટોબરથી ૮ નવેમ્બર વચ્ચે આયોજિત ત્રણ વન-ડે અને પાંચ T20 મૅચની સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. T20 એશિયા કપ 2025 જીતનાર ૧૫ સભ્યોની સમાન સ્ક્વૉડ આ ટૂર પર જશે અને ૧૬મા પ્લેયર તરીકે વૉશિંગ્ટન સુંદરને T20 ટીમમાં સ્થાન મળ્યું છે. છેલ્લે વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર વન-ડે ટીમમાં મોટા ફેરફાર થયા છે.
ભારતીય સિલેક્ટર્સે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને વન-ડે કૅપ્ટન જાહેર કર્યો છે. ટેસ્ટ-કૅપ્ટન અને T20 વાઇસ-કૅપ્ટન બાદ યંગ શુભમન ગિલ વન-ડે ફૉર્મેટના નેતૃત્વનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ધુરંધર બૅટર શ્રેયસ ઐયરને વન-ડે ટીમની વાઇસ-કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. T20 અને ટેસ્ટ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેનાર અનુભવી બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને વન-ડે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 દરમ્યાન છેલ્લી વન-ડે મૅચ રમનાર ભારતીય સ્ક્વૉડની સરખામણી કરતાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, ઇન્જર્ડ વિકેટકીપર રિષભ પંત, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્પિનર વરુણ ચક્રવર્તીને સ્થાન નથી મળ્યું. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી, વિકેટકીપર ધ્રુવ જુરેલ, ઓપનર યશસ્વી જાયસવાલ અને ફાસ્ટ બોલર્સ મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધિ ક્રિષ્નાને વન-ડે સ્ક્વૉડમાં નવી તક આપવામાં આવી છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ભારતની વન-ડે ટીમ : શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કે. એલ. રાહુલ, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જુરેલ, યશસ્વી જાયસવાલ.
ભારતની T20 ટીમ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સૅમસન, રિન્કુ સિંહ, વૉશિંગ્ટન સુંદર.
ભારતીય ક્રિકેટમાંથી ‘કૅપ્ટન રોહિત શર્મા’ના યુગનો અંત
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં રોહિત શર્માએ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યાર સુધીમાં તે ભારતનો ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન હતો, પરંતુ આજે ટેસ્ટ-ફૉર્મેટમાંથી નિવૃત્તિ અને વન-ડેમાંથી કૅપ્ટન્સી છીનવાઈ જવાથી તે ટીમ ઇન્ડિયા માટે એક અનુભવી વન-ડે પ્લેયર બની ગયો છે.
વન-ડે ફૉર્મેટમાં તેની કૅપ્ટન્સી હેઠળ ભારત ૫૬માંથી ૪૨ મૅચ જીત્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન ક્લાઇવ લૉઇડ (૭૬.૨ ટકા) બાદ તે વન-ડે ફૉર્મેટમાં ૫૦થી વધુ વન-ડેમાં કૅપ્ટન્સી કર્યા પછી ૭૫ ટકાની જીતની ટકાવારી સાથે બીજા ક્રમે સૌથી સફળ કૅપ્ટન રહ્યો હતો.
ભારતને T20 વર્લ્ડ કપ 2024, વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જિતાડનાર અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ, વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડનાર રોહિત શર્માએ ભારત માટે ૧૪૨ મૅચમાં કૅપ્ટન્સી કરીને ૧૦૩ મૅચમાં જીત અપાવી હતી. ભારત માટે તમામ ફૉર્મેટ મળીને કુલ ૧૦૦થી વધુ મૅચમાં કૅપ્ટન્સી કરનાર ૭ કૅપ્ટનો વચ્ચે તે હાઇએસ્ટ ૭૨.૫૩ ટકા જીતની ટકાવારી ધરાવે છે.
હવે પછીનો વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ના વર્ષમાં છે એથી અમને લાગ્યું કે નવો કૅપ્ટન નિયુક્ત કરવાનો સાચો સમય છે. આગામી સમયમાં વધારે વન-ડે ન રમાવાની હોવાથી નવા કૅપ્ટનને ટીમ બનાવવા સમયની જરૂર પડશે. - ચીફ સિલેક્ટર અજિત આગરકર