સળંગ ૩૦ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં અપરાજિત રહેનાર જગતનો પહેલો ક્રિકેટર બન્યો શિવમ દુબે

05 February, 2025 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન તે જે T20 મૅચમાં રમ્યો એમાં ભારતીય ટીમ હારી નથી

ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ઑલરાઉન્ડર માટે શૅર કર્યું હતું આ પોસ્ટર.

મુંબઈના ઑલરાઉન્ડર શિવમ દુબેએ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમ માટે વિનિંગ મૅચ રમીને એક વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. T20 ઇન્ટરનૅશનલ મૅચમાં તે સળંગ ૩૦ મૅચ સુધી અપરાજિત રહેનાર જગતનો પહેલો ક્રિકેટર બન્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં ૨૦૧૯ની ૧૧ ડિસેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી T20 મૅચથી ૨૦૨૫ની બીજી ફેબ્રુઆરીએ વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની T20 સુધી તે જેટલી T20 મૅચનો ભાગ રહ્યો એમાં ભારતીય ટીમ અપરાજિત રહી છે. તે પ્લેઇંગ-ઇલેવનનો ભાગ હોય એવી છેલ્લી ૩૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ દરમ્યાન ત્રણ મૅચ વરસાદને કારણે રદ રહી છે.

દુબેની IPL ફ્રૅન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે આ રસપ્રદ માહિતી શૅર કરી હતી. મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં આ હાર વિનાનો સૌથી લાંબો સિલસિલો છે. નવેમ્બર ૨૦૧૯માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર શિવમ દુબેએ આ ફૉર્મેટમાં ૩૫ મૅચ રમી છે અને માત્ર બે હાર જોઈ છે. ભારત માટે ૩૫ મૅચની ૨૬ ઇનિંગ્સમાં તેણે ચાર ફિફ્ટીની મદદથી ૫૩૧ રન બનાવ્યા છે. ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં તેને ઇન્જર્ડ ક્રિકેટર્સના રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો હતો.

shivam dube t20 india england wankhede t20 international chennai super kings indian premier league cricket news sports news sports