02 July, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાનનું સ્વપ્ન સાકાર
બોલિવૂડ (Bollywood) અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના સહ-માલિક શાહરૂખ ખાન (Shah Rukh Khan) અમેરિકા (America)માં ક્રિકેટને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. તેણે લોસ એન્જલસ (Los Angeles)માં નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ ખાસ અવસરે શાહરૂખ ખાને આ બાબતને પોતાનું સપનું સાકાર થવા સમાન ગણાવી હતી અને આઈસીસી (ICC)ના ચેરમેન જય શાહ (Jay Shah) તેમજ આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સંજોગ ગુપ્તા (Sanjay Gupta)નો વિશેષ આભાર માન્યો હતો.
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફ્રેન્ચાઈઝીના માલિક શાહરૂખ ખાને હવે વૈશ્વિક સ્તરે એક એવું પરાક્રમ કરી બતાવ્યું છે, જે કદાચ કોઈ પણ ક્રિકેટ ફ્રેન્ચાઈઝીના માલિક કરી શક્યા નથી. શાહરૂખ ખાને નાઈટ રાઈડર્સના નામે અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં એક ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ (Shah Rukh Khan`s Knight Riders unveil Los Angeles Cricket Stadium) તૈયાર કરાવ્યું છે. આ સ્ટેડિયમના નિર્માણને લઈને શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે.
શાહરૂખ ખાને સોશિયલ મીડિયા (Social Media) પર લખ્યું કે, `જે એક સપના તરીકે શરૂ થયું હતું, તે આજે હકીકત બની ગયું છે. લોસ એન્જલસના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપ સૌનું સ્વાગત છે.` તેણે ઉમેર્યું કે, આ માત્ર ક્રિકેટ રમવાનું મેદાન નથી, પરંતુ મનોરંજન, પરિવારો અને હંમેશા સાથે રહે તેવી યાદો બનાવવાનું એક સ્થાન છે.
શાહરૂખ ખાને આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં સહયોગ આપવા બદલ આઈસીસીના ચેરમેન જય શાહનો વિશેષ રૂપે આભાર માન્યો હતો. તેણે લખ્યું કે આ સમગ્ર સફરમાં જય શાહનો સહકાર અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે. આ ઉપરાંત તેણે આઈસીસી (ICC) અને તેના સીઈઓ સંજોગ ગુપ્તાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ પહેલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
વધુમાં પોસ્ટમાં શાહરૂખ ખાને જણાવ્યું કે, આ સ્ટેડિયમ માત્ર લોસ એન્જલસ માટે નથી, પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકો અને સમગ્ર નાઈટ રાઈડર્સ પરિવાર માટે છે. તેણે પોતાના પ્રખ્યાત સંદેશ `બિલીવ ઇન પર્પલ એન્ડ ગોલ્ડ` સાથે ચાહકોનું સ્વાગત કર્યું હતું અને લોસ એન્જલસ નાઈટ રાઈડર્સના આ નવા ઘરનો હિસ્સો બનવાની અપીલ કરી હતી.
નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ એ લોસ એન્જલસમાં તૈયાર કરવામાં આવેલું એક નવું ક્રિકેટ મેદાન છે, જેનો હેતુ અમેરિકામાં ક્રિકેટના વધી રહેલા પ્રભાવને મજબૂત કરવાનો અને ખેલાડીઓની સાથે સ્થાનિક સમુદાયને વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ મેદાન મેજર લીગ ક્રિકેટમાં ભાગ લેનારી લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ ટીમનું નવું હોમ ગ્રાઉન્ડ બનશે.
શાહરૂખ ખાનની નાઈટ રાઈડર્સ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે, જેના નામે કુલ ૯ ખિતાબ છે. આ ગ્રુપ હેઠળ ચાર પ્રોફેશનલ ફ્રેન્ચાઈઝીઓ કાર્યરત છે, જેમાં ટાટા આઈપીએલ (TATA IPL)માં રમતી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને કેરેબિયન પ્રીમિયર લીગનો હિસ્સો એવી ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ (TKR)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત યુએઈ (UAE) ની ઇન્ટરનેશનલ લીગ ટી-૨૦ માં રમતી અબુ ધાબી નાઈટ રાઈડર્સ (ADKR) અને અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં ભાગ લેતી લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (LAKR) પણ આ જૂથનો ભાગ છે. આ જ કારણોસર નાઈટ રાઈડર્સને વિશ્વની સૌથી બહુમુખી ટી-૨૦ ક્રિકેટ બ્રાન્ડ્સમાં ગણવામાં આવે છે.