સંજુ સૅમસનની CSKમાં એન્ટ્રી અટકી?

14 August, 2025 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહેવાલ પ્રમાણે ચેન્નઈના માલિક રાજસ્થાનના કૅપ્ટનને બદલે ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા કે શિવમ દુબેમાંથી કોઈને પણ છોડવા તૈયાર નથી

સંજુ સૅમસન

IPL 2026 પહેલાં સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જઈ રહ્યો છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. જોકે એક અહેવાલ પ્રમાણે આમાં વિઘ્ન આવ્યું છે અને ચેન્નઈ મૅનેજમેન્ટ સૅમસનના બદલામાં રાજસ્થાને માગેલો કોઈ ખેલાડી આપવા તૈયાર નથી.

સંજુ સૅમસન રાજસ્થાન મૅનેજમેન્ટથી નારાજ હોવાથી તે આગામી સીઝન પહેલાં ટીમમાંથી અલગ થવા માગે છે એવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ભૂતપૂર્વ ખેલાડી સુબ્રમણ્યમ બદરીનાથના મત પ્રમાણે રાજસ્થાન મૅનેજમેન્ટ રિયાન પરાગને વધુ મહત્ત્વ આપી રહ્યું હોવાથી સૅમસન નારાજ છે.

એક ક્રિકેટ વેબસાઇટના અહેવાલ પ્રમાણે સંજુ સૅમસન રાજસ્થાન છોડી રહ્યો હોવાથી ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન ફ્રૅન્ચાઇઝીનો સંપર્ક કર્યો હતો. જોકે રાજસ્થાને ચેન્નઈને સંજુની બદલીમાં ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા કે શિવમ દુબેમાંથી કોઈ એક ખેલાડી આપવાની માગણી કરી હતી. ચેન્નઈને આ માગણી માન્ય ન હોવાથી હાલ પૂરતું તો આ ટ્રેડ અટકી ગયો છે.

હવે બન્ને ફ્રૅન્ચાઇઝી વચ્ચે કોઈ અન્ય વિકલ્પ પર સહમતી ન થાય અથવા મિની ઑક્શનમાં ધોનીની ટીમ તેને ખરીદે તો જ સૅમસનનો ચેન્નઈમાં પ્રવેશ શક્ય બની શકે છે.

sanju samson rajasthan royals chennai super kings indian premier league IPL 2026 cricket news sports news sports ruturaj gaikwad ravindra jadeja shivam dube