પિતા દરેક બાળકના ફર્સ્ટ હીરો : સચિન

20 June, 2022 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ‘ફાધર્સ ડે’એ રોહિત, પુજારા અને ચૅમ્પિયન મહિલા બૉક્સર નિખત ઝરીને સોશ્યલ મીડિયામાં હૃદયના ભાવ વ્યક્ત કર્યા

સોશ્યલ મીડિયામાં ગઈ કાલે સચિનની સદ્ગત પિતા રમેશ તેન્ડુલકર સાથેની ૧૯૮૦ના દાયકાની તસવીર તેમ જ પુત્ર અર્જુન તેન્ડુલકર સાથેની તસવીરને ચાહકોએ ખૂબ બિરદાવી હતી.

૧૯૯૦ની ૧૯ જૂને સચિન તેન્ડુલકર ટેસ્ટના બન્ને દાવમાં ૫૦+ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો એટલે એ રીતે તેને માટે ગઈ કાલનો દિવસ (૧૯ જૂન) અવિસ્મરણીય જરૂર હતો, પરંતુ ‘ફાધર્સ ડે’ હોવાથી તે વધુ ઉત્સાહિત હતો અને એટલે જ ભારતના આ ક્રિકેટ-આઇકને ટ્વિટર પર કેટલીક જૂની-નવી તસવીરો તેમ જ વિડિયો પોસ્ટ કરીને આ દિવસને વધુ યાદગાર બનાવ્યો હતો.
લિટલ ચૅમ્પિયને સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું કે ‘દરેક બાળક માટે તેના પિતા ફર્સ્ટ હીરો હોય છે અને મારી બાબતમાં પણ એવું જ કહી શકાય. મારા પિતાએ મને નિઃસ્વાર્થપણે અને પ્રેમપૂર્વક ઘણું શીખવ્યું હતું અને એ જેકંઈ શીખવ્યું એ બધું મને બરાબર યાદ છે. તેમણે મને મારો માર્ગ પસંદ કરવાનો મોકો આપ્યો હતો અને હું આજે જેકંઈ છું એ તેમના માર્ગદર્શનને કારણે જ છું. મારા દરેક ચાહકોને ‘હૅપી ફાધર્સ ડે’ની શુભેચ્છા.’

ચેતેશ્વર પુજારાએ પરિવાર સાથેનો ફોટો શૅર કરતાં લખ્યું હતું કે ‘આ છે મારી સપોર્ટ સિસ્ટમ જે મને દરેક બાબતમાં મદદરૂપ થાય છે. હું તમામ અદ્ભુત અને દૃષ્ટાંતરૂપ પિતાઓને ‘ફાધર્સ ડે’ની શુભેચ્છા પાઠવું છું.’

ટેસ્ટ-ટીમ સાથે ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલો કૅપ્ટન રોહિત શર્મા લખે છે, ‘હું જ્યારથી પિતા બન્યો છું ત્યારથી મારી ઢીંગલી જેવી દીકરી (સમાઇરા)ની અત્યંત કાળજી રાખું છું. તેને પાછળ ખભા પર બેસાડીને ફેરવવાની હોય કે ક્રૅડલમાં બેસાડીને રમાડવાની હોય, તેની કાળજી રાખવામાં હું કોઈ કસર બાકી નથી રાખતો. તેની સલામતી અને કાળજી મારી પ્રથમ જવાબદારી હોય છે. એ જ તો મારી દુનિયા છે. હૅપી ફાધર્સ ડે.’

બે વખત આઇપીએલનું ટાઇટલ જીતનાર કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ ગઈ કાલે પૅટ કમિન્સ, ઍરોન ફિન્ચ, સુનીલ નારાયણ અને અજિંક્ય રહાણેના તેમનાં બાળકો સાથેના ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘બાળકોના આ ફર્સ્ટ સુપરહીરો માટે છે સેલિબ્રેશન ડે. આ તમામ અદ્ભુત પિતાઓને ફાધર્સ ડેનાં અભિનંદન.’

તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલી મુક્કાબાજ નિખત ઝરીને પિતા સાથેનો ફોટો શૅર કરતાં લખ્યું હતું, ‘મળો એ વ્યક્તિને જેમણે મને મારી કરીઅરમાં આગળ વધવા શક્તિશાળી બનવાની પ્રેરણા આપી તેમ જ કઠિન અને મુશ્કેલ સમયમાં મને ખૂબ સ્નેહ પણ આપ્યો. મારા પિતા મારા માટે ખડક જેવા અડીખમ છે. તેઓ મારા સુપરહીરો તો છે જ, મારા માટે સર્વસ્વ છે. હૅપી ફાધર્સ ડે, પાપા.’

sports sports news cricket news fathers day sachin tendulkar