આખરી ટેસ્ટમાં આઉટ કરનાર બોલરની જ વિકેટ લઈને રૉસ ટેલરે ટેસ્ટને કરી અલવિદા

12 January, 2022 12:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે બંગલાદેશને એક દાવ અને ૧૧૭ રનથી હરાવ્યું

ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં ૧૫ વર્ષની ટેસ્ટ-કરીઅર પૂરી કરી એ પ્રસંગે પરિવાર સાથે ન્યુ ઝીલૅન્ડનો મહાન બૅટર રૉસ ટેલર. (તસવીર : એ.પી.)

ક્રાઇસ્ટચર્ચમાં ગઈ કાલે એક તરફ ન્યુ ઝીલૅન્ડની ટીમને બીજી અને અંતિમ ટેસ્ટમાં બંગલાદેશને એક ઇનિંગ્સ અને ૧૧૭ રનથી હરાવ્યાની બેહદ ખુશી હતી ત્યાં બીજી તરફ દેશના ક્રિકેટ-લેજન્ડ કહેવાતા રૉસ ટેલરની ટેસ્ટમાંથી થયેલી વિદાય બદલ તેમનામાં ઉદાસીનતા પણ હતી.
ટેલરની વેટોરી જેટલી ૧૧૨ ટેસ્ટ
ન્યુ ઝીલૅન્ડ વતી ડૅનિયલ વેટોરી જેટલી ૧૧૨ ટેસ્ટ રમીને નિવૃત્ત થયેલા ટેલરે આઠ વર્ષ પહેલાં બોલિંગ કરી હતી, પરંતુ ગઈ કાલે ત્રીજા દિવસે બંગલાદેશ ફૉલો-ઑન બાદ ૨૬૯ રનમાં ૯ વિકેટ ગુમાવી ચૂક્યું હતું ત્યાર બાદ પ્રકાશ ઝાંખો પડવાને કારણે ફાસ્ટ બોલરો વધુ બોલિંગ કરી શકે એમ નહોતા ત્યારે કૅપ્ટન ટૉમ લેથમે પ્રેક્ષકોની ડિમાન્ડને શરણે થઈને રૉસ ટેલરને બોલિંગ આપી હતી.
ટેલરે આગલી ૧૧૧ ટેસ્ટમાં માત્ર ૧૬ ઓવર બોલિંગ કરીને બે વિકેટ લીધી હતી. જોકે ગઈ કાલે તેના ઑફ-બ્રેકમાં બંગલાદેશનો આખરી બૅટર ઇબાદત હુસેન શિકાર થયો હતો. ટેલરના ત્રીજા જ બૉલમાં તેણે લેથમને ઊંચો કૅચ આપતાં મૅચ પૂરી થઈ હતી અને બૅટર તરીકે ૧૫ વર્ષની કરીઅર માણી ચૂકેલા ટેલરે પ્રથમ દાવમાં પોતાની વિકેટ લેનાર ફાસ્ટ બોલર ઇબાદતને આઉટ કરીને કરીઅર પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
લિટન દાસની લડાયક સદી
પ્રથમ દાવમાં ન્યુ ઝીલૅન્ડના ૫૨૧/૬ના જવાબમાં માત્ર ૧૨૬ રન બનાવનાર બંગલાદેશે ગઈ કાલે બીજા દાવમાં જે ૨૭૮ રન બનાવ્યા એમાં લિટન દાસ (૧૦૨)નું સૌથી મોટું યોગદાન હતું. તે બૅટિંગ દરમ્યાન ઈજા પામ્યો હાવા છતાં રમતો રહ્યો હતો અને સદી પૂરી કરી હતી. કાઇલ જૅમીસને ચાર અને નીલ વૅગનરે ત્રણ વિકેટ લીધી હતી. સિરીઝ ૧-૧થી બરાબરીમાં પૂરી થઈ છે.

1
ટૉમ લેથમ એક જ ટેસ્ટમાં ૨૫૦ રનનો સ્કોર નોંધાવવા ઉપરાંત કુલ ૬ કૅચ પકડનારો વિશ્વનો આટલામો ખેલાડી બન્યો છે. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

15
કિવી ફાસ્ટ બોલર જૅમીસનની આટલા ટકા મૅચ-ફી કપાઈ ગઈ છે. તે યાસિર અલીને આઉટ કર્યા બાદ તેના વિશે અપશબ્દ બોલ્યો હતો.

sports sports news cricket news new zealand bangladesh