Sports Update : ક્રિકેટર રોહિત શર્મા ટેલિવિઝન ડેબ્યુ કરશે

12 August, 2026 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા સપ્ટેમ્બરમાં ટેલિવિઝન ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પોતાનો નવો શો હોસ્ટ કરશે.

રોહિત શર્મા

ભારતનો અનુભવી ક્રિકેટર રોહિત શર્મા ટૂંક સમયમાં ટેલિવિઝન ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. શૂટિંગ સેટ પર પ્રોડક્શન ટીમના સભ્યોને ફીલ્ડરની જેમ સેટ કરતા રોહિત શર્માનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો હતો. 
આ ટીઝર વિડિયોમાં આલા રે... આલા રે... રોહિત આલા રે સૉન્ગ અને બિગેસ્ટ એન્ટરટેઇનમેન્ટ ડેબ્યુ જેવા શબ્દોએ ક્રિકેટચાહકોની આતુરતામાં વધારો કર્યો છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાના CEO ગૌરવ બૅનરજીએ પુષ્ટિ કરી કે ‘રોહિત શર્મા સપ્ટેમ્બરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પોતાનો શો હોસ્ટ કરશે.’

જૉન્ટી રોડ્સ અને જૉન એબ્રાહમે રૉટરડૅમ ડૉકર્સની જર્સી લૉન્ચ કરી

મુંબઈમાં ગઈ કાલે યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)ની ટીમ રૉટરડૅમ ડૉકર્સની જર્સી લૉન્ચ કરવામાં આવી હતી. રૉટરડૅમ ડૉકર્સના માલિકો ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર જૉન્ટી રોડ્સ અને ઍક્ટર જૉન એબ્રાહમે પણ આ લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. ઍક્ટર અભિષેક બચ્ચનની આ લીગ યુરોપમાં ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન રમાશે.

દુલીપ ટ્રોફી પહેલાં નેટમાં પરસેવો પાડી રહ્યો છે વૈભવ સૂર્યવંશી

ઝિમ્બાબ્વેની સફળ ટૂર બાદ ૧૫ વર્ષનો ભારતીય બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી નવી સ્થાનિક સીઝન પહેલાં નેટમાં પરસેવો પાડી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરેલા વિડિયોમાં તે બૅટિંગમાં રક્ષણાત્મક અને આક્રમક બન્ને અભિગમો પર ધ્યાન કેન્દ્રિત કરતો જોવા મળ્યો હતો. રાજસ્થાન રૉયલ્સના ટ્રેઇનિંગ કૅમ્પમાં વૈભવ આ ટ્રેઇનિંગ કરી રહ્યો છે.  
૨૩ ઑગસ્ટથી શરૂ થતી દુલીપ ટ્રોફીમાં કૅપ્ટન ઈશાન કિશન સાથે ઈસ્ટ ઝોનની ટીમમાં યુવા બૅટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશી 
વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે. દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી બંગાળના અનુભવી બૅટ્સમૅન અભિમન્યુ ઈશ્વરન સાથે ઇનિંગ્સની શરૂઆત કરે એવી અપેક્ષા છે.

પપ્પાનું અવસાન થયા પછી લીઅનલ મેસીએ ફુટબૉલમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો

આર્જેન્ટિનાનો લીઅનલ મેસી પપ્પા અને લાંબા સમયના પોતાના એજન્ટ જૉર્જ મેસીના અવસાન પછી અનિશ્ચિત સમય માટે ફુટબૉલમાંથી બ્રેક લઈ રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે ૩૯ વર્ષનો મેસી ફૅમિલી સાથે સમય વિતાવશે અને તેણે ફુટબૉલમાં વાપસીની તારીખ નક્કી કરી નથી. 
મેસીની અમેરિકન ફુટબૉલ ક્લબ ઇન્ટર માયામીએ તેને ઓપન-એન્ડેડ લીવ મંજૂર કરી છે. મેસી છેલ્લે ૬ ઑગસ્ટે લીગ કપમાં ઇન્ટર માયામી માટે રમ્યો હતો અને બે ગોલ પણ કર્યા હતા.

ઑલરાઉન્ડર માર્કો યાન્સેનના જોડિયા ભાઈ ડુઆનને પહેલી વખત સાઉથ આફ્રિકન સ્ક્વૉડમાં સ્થાન મળ્યું

સાઉથ આફ્રિકાએ ગઈ કાલે નામિબિયા સામેની સામેની વાઇટ-બૉલ સિરીઝની ટૂર માટે સ્ક્વૉડની જાહેરાત કરી હતી. ૨૮ ઑગસ્ટથી ૬ સપ્ટેમ્બર વચ્ચે ઝિમ્બાબ્વે સાથે ત્રિકોણીય સિરીઝ રમ્યા બાદ સાઉથ આફ્રિકા અને નામિબિયા ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. 
યંગ પ્લેયર્સની સાઉથ આફ્રિકન સ્ક્વૉડમાં ઑલરાઉન્ડર ડુઆન યાન્સેન પણ સામેલ છે જે ક્રિકેટર માર્કો યાન્સેનનો ભાઈ છે. ૬ ફુટ ૮ ઇંચના ડુઆન યાન્સેનને પહેલી વખત સાઉથ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું છે. આ જોડિયાઓ રૂપે ઇન્ટરનૅશનલ ક્રિકેટને ભાઈઓની વધુ એક જોડી મળશે. 

rohit sharma sony entertainment television indian television john abraham vaibhav sooryavanshi lionel messi football duleep trophy cricket news sports news sports