લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતનો પહેલો વન-ડે શતકવીર બન્યો રોહિત શર્મા

20 July, 2026 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે રિટાયરમેન્ટની અટકળો વચ્ચે વન-ડેની ૩૪મી અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાની ૫૧મી સદી નોંધાવી

રોહિત શર્માને સેન્ચુરીની વધાઈ આપી રહેલો વિરાટ કોહલી. તેણેે ૧૧૦ બૉલમાં ૧૩૮ રન ફટકાર્યા હતા.

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ દરમ્યાન સાધારણ પ્રદર્શનને કારણે રોહિત શર્મા લૉર્ડ્‌‌સમાં ભારત સામે છેલ્લી મૅચ રમશે એવી અટકળો હતી. જોકે ક્રિકેટ જગતની આ ચર્ચાઓના ઘોંઘાટ વચ્ચે રોહિત શર્માએ ૮૪ બૉલમાં સદી ઝૂડીને પોતાની ફિટનેસ અને ફૉર્મ સાબિત કરી દીધાં છે. ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ રમવાનો પોતાનો જુસ્સો ફરી એક વખત રોહિત શર્માએ તોફાની ઇનિંગ્સથી દેખાડ્યો છે.  

રિટાયરમેન્ટની અટકળો વચ્ચે ગઈ કાલે રોહિત શર્મા ૧૧૦ બૉલમાં ૧૭ ફોર અને ૫ સિક્સની મદદથી ૧૩૮ રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. લૉર્ડ્‌‌સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઇતિહાસમાં રોહિત શર્મા ભારતનો પહેલો વન-ડે શતકવીર બન્યો હતો. ૨૦૦૪માં સૌરવ ગાંગુલીએ આ મેદાન પર ભારત તરફથી ૯૦ રનનો સૌથી મોટો વ્યક્તિગત વન-ડે સ્કોર નોંધાવ્યો હતો.

રોહિત શર્માએ ગઈ કાલે ૩૪મી વન-ડે સદી અને ૫૧મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી નોંધાવી હતી. તેણે છેલ્લે ૨૦૨૫ની પચીસ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે સિડનીમાં ૧૨૧ રન બનાવીને છેલ્લી વખત ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. ૩૯ વર્ષ ૮૦ દિવસની ઉંમરે રોહિત શર્મા લૉર્ડ્‌સમાં વન-ડે સદી કરનાર સૌથી ઉંમરવાળો ખેલાડી બન્યો હતો.

400
આટલી ઇન્ટરનૅશનલ મૅચ એકસાથે રમનાર ભારતની પહેલી અને ઓવરઆ‌ૅલ છઠ્ઠી જોડી બની રોહિત શર્મા અને વિરાટ કોહલીની.

એકસાથે ખુશખુશાલ જોવા મળ્યા વિરાટ-રોહિત-ગંભીર

ભારતીય ક્રિકેટ બોર્ડના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ગઈ કાલે લંડનમાં હાઈ કમિશનની મુલાકાતના ફોટો શૅર કરવામાં આવ્યા હતા. શનિવારે સાંજે હાઈ કમિશનર કુમારન પેરિયાસામી અને બ્રિટનના ભારતીય સમુદાયના સભ્યોએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાતનો એક ફોટો સૌથી વધુ વાઇરલ થયો હતો. આ ફોટોમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચેની સીટ પર હેડ કોચ ગૌતમ ગંભીર બેઠો હતો. ત્રણેય કોઈ વાત પર ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. આ અનુભવી ક્રિકેટર્સ સાથે ગૌતમ ગંભીરની વાતચીત ઓછી એવા અહેવાલો વારંવાર ચર્ચામાં રહે છે. 

england india indian cricket team team india one day international odi rohit sharma cricket news sports sports news