05 November, 2026 09:12 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન શુભમન ગિલે શિસ્તબદ્ધ બોલિંગ અને ચપળ ફિલ્ડિંગ, ખાસ કરીને રોહિત શર્મા દ્વારા ડૅરિલ મિચલના રનઆઉટને ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડે મૅચમાં જીતનો ટર્નિંગ પૉઇન્ટ ગણાવ્યો છે. ગિલે જણાવ્યું હતું કે જ્યારે મિચલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચેની ભાગીદારી મજબૂત બની રહી હતી ત્યારે રોહિતે કરેલો રનઆઉટ મૅચનો વળાંક સાબિત થયો હતો.
ટીમના પ્રદર્શન વિશે વાત કરતાં ગિલે જણાવ્યું હતું કે ‘ઉત્તમ ફીલ્ડિંગે બોલર્સને પૂરો સાથ આપ્યો હતો. મને લાગે છે કે અમારી બોલિંગ ખૂબ સરસ રહી અને ફીલ્ડિંગ પણ એટલી જ શ્રેષ્ઠ હતી. રોહિતભાઈ દ્વારા કરાયેલા એ રનઆઉટે મૅચનું મોમેન્ટમ બદલી નાખ્યું હતું. મિચલ અને ફિલિપ્સ વચ્ચેની એ પાર્ટનરશિપ ખતરનાક બની રહી હતી, ભારતમાં પણ એ બન્ને ખૂબ સારું રમ્યા હતા. સમગ્ર રીતે જોતાં આ અમારા માટે શાનદાર ટીમ-પર્ફોર્મન્સ હતો.’
કૅપ્ટને ખાસ કરીને કમ્બોજ અને બ્રારના યોગદાનની પ્રશંસા કરી હતી, જેમણે સ્થિતિનો પૂરો ફાયદો ઊઠાવીને ન્યુ ઝીલૅન્ડને દબાણમાં રાખ્યું હતું. કમ્બોજે ૧૦ ઓવરમાં બાવીસ રન આપીને બે વિકેટ લીધી હતી, જ્યારે બ્રારે ૪૪ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ગિલે ઉમેર્યું હતું કે ‘અંશુલ એક એવો બોલર છે જે આવી પરિસ્થિતિઓ માટે એકદમ યોગ્ય છે. તે હંમેશાં સ્પીડ અને સીમ સાથે બોલિંગ કરે છે તેમ જ જૂના બૉલ સાથે પણ સારો છે. જ્યારે પિચ પરથી ખાસ મદદ ન મળતી હોય ત્યારે બ્રાર પોતાની ઝડપ સાથે વધારાનો બાઉન્સ ઊભો કરી શકે છે. બન્નેએ જે રીતે બોલિંગ કરી એ જોવાની ખૂબ મજા આવી.’