દુબઈ અમારું ઘર નથી, દર વખતે પિચ એક અલગ પડકાર આપે છે

05 March, 2025 07:08 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

એક જ મેદાન પર રમવાનો ફાયદો થઈ રહ્યો છે એ વાત નકારી કાઢતાં ભારતીય કૅપ્ટન રોહિત શર્મા કહે છે... : ICC વન-ડે ઇવેન્ટમાં હવે હાઇએસ્ટ જીતની ટકાવારી રોહિત શર્માના નામે, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગને પાછળ છોડ્યો

રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયા સામેની સેમી-ફાઇનલ મૅચ પહેલાં ભારતના કૅપ્ટન રોહિત શર્માએ એ ધારણાને નકારી કાઢી કે તેમની ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બધી મૅચ દુબઈમાં રમીને ફાયદો મેળવી રહી છે. પ્રેસ-કૉન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું, ‘દર વખતે પિચ એક અલગ પડકાર રજૂ કરે છે. અમે અહીં ત્રણ મૅચ રમ્યા છીએ અને ત્રણેય મૅચમાં પિચનું સ્વરૂપ અલગ રહ્યું છે. આ અમારું ઘર નથી, આ દુબઈ છે. અમે અહીં એટલી બધી મૅચ રમ્યા નથી. આ અમારા માટે પણ નવું છે. અહીં ચાર કે પાંચ પિચનો ઉપયોગ થઈ રહ્યો છે. મને ખબર નથી કે સેમી-ફાઇનલમાં પિચ કેવી હશે.’

હરીફ ટીમ ઑસ્ટ્રેલિયા વિશે વાત કરતાં રોહિત કહે છે, ‘ઑસ્ટ્રેલિયા એક શાનદાર ટીમ છે. અમે વિરોધી ટીમને અને તેઓ કેવી રીતે રમે છે એ સમજીએ છીએ. અમે છેલ્લી ત્રણ મૅચમાં જે વલણ અપનાવ્યું છે એ જ વલણ સાથે રમવું પડશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સેમી-ફાઇનલ ખૂબ જ પડકારજનક હશે. બન્ને ટીમો પર જીતવાનું પ્રેશર રહેશે. અમે એક યુનિટ તરીકે, પ્લેયર્સ તરીકે, બૅટિંગ યુનિટ તરીકે, બોલિંગ યુનિટ તરીકે શું કરવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઑસ્ટ્રેલિયા ખૂબ જ સારી ટીમ હોવાથી કઠિન પડકાર આપશે.’

ICC વન-ડે ઇવેન્ટમાં કૅપ્ટન તરીકે
સૌથી વધુ જીતની ટકાવારી

૯૨.૮ ટકા

રોહિત શર્મા (૧૪ મૅચ)

૮૮.૩ ટકા

રિકી પૉન્ટિંગ (૪૫ મૅચ)

૮૮.૨ ટકા

ક્લાઇવ લૉઇડ (૧૭ મૅચ)

૮૩.૩ ટકા

એમ. એસ. ધોની (પચીસ મૅચ)

૮૧.૨ ટકા

પૅટ કમિન્સ (૧૧ મૅચ)

 

champions trophy india australia rohit sharma dubai international cricket council cricket news sports news sports