રોહિત શર્મા ફિટ, કૅરિબિયનો સામે કરશે ટીમનું નેતૃત્વ

26 January, 2022 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ માટે હજી ભારતીય ટીમનું સિલેક્શન નથી થયું અને મોટા ભાગે આ અઠવાડિયાના અંતમાં સિલેક્ટરો ટીમની જાહેરાત કરશે

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનર બૅટર રોહિત શર્મા ઈજામાંથી સંપૂણપણે મુક્ત થઈ ગયો છે અને ઘરઆંગશે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં એક ટીમની કમાન સંભાળશે. ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે રોહિત હવે ફિટ છે અને આગામી વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ માટે તે ઉપલબ્ધ હશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમવાનું છે. વન-ડે સિરીઝ અમદાવાદમાં અને ટી૨૦ સિરીઝ કલકત્તામાં રમાશે.
આ સિરીઝ માટે હજી ભારતીય ટીમનું સિલેક્શન નથી થયું અને મોટા ભાગે આ અઠવાડિયાના અંતમાં સિલેક્ટરો ટીમની જાહેરાત કરશે.
ઇન્જરીને લીધે રોહિત શર્મા સાઉથ આફ્રિકાની ટૂરમાં નહોતો જોડાયો અને ટીમને તેની ખોટ વરતાઈ હતી. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ ૧-૨થી અને વન-ડે સિરીઝ ૦-૩થી હારી ગયું હતું. 
સાઉથ આફ્રિકાની ટૂરના પર્ફોર્મન્સના આધારે ટીમમાં જૂના જોગીઓ ભુવનેશ્વરકુમાર અને રવિચન્દ્રન અશ્વિને સ્થાન મેળવવું મુશ્કેલ હશે. 
હાર્દિકનું થઈ શકે છે કમબૅક
કોચ રાહુલ દ્રવિડે વન-ડે સિરીઝ બાદ કહ્યું હતું કે ટીમને હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની કમી મહેસૂસ થઈ હતી. ઇન્જરીને લીધે ટીમથી બહાર રહેલો હાર્દિક કદાચ આ સિરીઝમાં કમબૅક કરી શકે છે. જોકે તે બોલિંગ કરશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી. હાર્દિકની ગેરહાજરીમાં ટીમમાં સ્થાન મેળવનાર ઑલરાઉન્ડર વેન્કેટેશ ઐયર ખાસ કમાલ નહોતો કરી શક્યો. 
હાર્દિક કમબૅક માટે થનગની રહ્યો છે. જો તે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં નહીં રમે તો ત્યાર બાદની શ્રીલંકા સામેની સિરીઝમાં તે કમબૅક જરૂર કરશે. 
બુમરાહને કદાચ આરામ અપાશે
આફ્રિકાની સિરીઝમાં જસપ્રીત બુમરાહનો પર્ફોર્મન્સ સૌથી બેસ્ટ રહ્યો હતો. તેણે આ સિરીઝમાં ટેસ્ટમાં ૧૦૪.૫ ઓવર અને વન-ડેમાં ૩૦ ઓવર બોલિંગ કરી હતી. એને લીધે સિલેક્ટરો કદાચ ટી૨૦ સિરીઝમાં તેને આરામ આપીને યુવા હર્ષલ પટેલ અથવા અવેશ ખાનને મોકો આપી શકે છે. 

sports sports news cricket news india indian cricket team rohit sharma