ત્રીજી ટેસ્ટની પિચ વિશે કાગારોળ જોરમાં, પણ રોહિત શર્માને લાગે છે કે...

27 February, 2021 01:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ત્રીજી ટેસ્ટની પિચ વિશે કાગારોળ જોરમાં, પણ રોહિત શર્માને લાગે છે કે...

રોહિત શર્મા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ મૅચ પોણાબે દિવસમાં જ સમાપ્ત થઈ જતાં ટીકાકારો અને ખાસ કરીને ઇંગ્લૅન્ડનું મીડિયા અને ભૂતપૂર્વ ક્રિકેટરો પિચની ગુણવતા વિશે સવાલ ઉઠાવી રહ્યા છે. વિરાટ કોહલી અને સુનીલ ગાવસકરે મૅચ બાદ પિચમાં કોઈ સમસ્યા નહોતી, માત્ર બૅટ્સમેનોની ટેક્નિકમાં ખરાબી હતી એવું જણાવ્યું હતું. મૅચમાં બન્ને ટીમ વતી હાઇએસ્ટ સ્કોર બનાવનાર રોહિત શર્માએ અમદાવાદની પિચને એક સામાન્ય ભારતીય પિચ ગણાવી હતી અને કહ્યું હતું કે આનાથી તો ચેન્નઈની બીજી ટેસ્ટની પિચ પર રમવું વધારે મુશ્કેલ હતું,.

હિટમૅન રોહિતે કહ્યું હતું કે ‘અમદાવાદ ટેસ્ટની પિચ એક સામાન્ય ભારતીય પિચ જેવી જ હતી. એમાં પણ તમારે વિકેટ બચાવવા કરતાં રન બનાવવાના ઇરાદાથી રમવાની જરૂર હતી. મારા ખ્યાલથી ત્રીજી ટેસ્ટની સરખામણીએ ચેન્નઈની બીજી ટેસ્ટમાં બૉલ વધારે ટર્ન થતા હતા અને એ પિચ અમદાવાદની પિચ કરતાં વધારે ચૅલેન્જિંગ હતી. જોકે ત્યાં અશ્વિને સેન્ચુરી અને વિરાટે હાફ સેન્ચુરી કરી હતી. જો તમે તમારા બેઝિકને વળગી રહો તો આસાનીથી રન બનાવી શકો છો.’

ટીમ ઇન્ડિયાના પિન્ક બૉલમાં પર્ફોર્મન્સ વિશે કહ્યું કે ‘પિન્ક બૉલમાં સ્પિનરોને રમવા વિશે અમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. વધુ મહેનત કરવાની એટલે જરૂર છે કે મોટા ભાગના બૅટ્સમૅન સીધા બૉલમાં જ આઉટ થયા હતા.’

રોહિતે મૅચના હીરો અક્ષર પટેલનાં ભૂરપૂર વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘અક્ષરની સ્ટમ્પ-અટૅકની રણનીતિ સફળ રહી હતી. તમને અચાનક રમવાનો મોકો મળે ત્યારે આવું પર્ફોર્મ કરવું આસાન નથી હોતું. તેણે બૅટ્સમેનોને સીધા સ્ટમ્પ પર બૉલ ફેંક્યા હતા જેને રમવા આસાન નથી હોતા.’

ઇંગ્લૅન્ડની હાર હજમ ન થતાં પિચ પર પ્રતિબંધ મૂકવાની ઇંગ્લૅન્ડ મીડિયાની માગણી

ઇંગ્લૅન્ડ સામેની પિન્ક બૉલ ટેસ્ટ મૅચ બે દિવસમાં જ પૂરી થઈ જતાં વિશ્વ ક્રિકેટમાં અનેક પ્રકારની ટીકા-ટિપ્પણી શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ ખેલાડીઓને બિરદાવ્યા હતા, તો કેટલાક લોકોએ પિચની નિંદા કરી હતી. ઇંગ્લૅન્ડ મીડિયાએ તો પિચ પર પ્રતિબંધ મૂકવાની સાથે ભારતની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં અંક ઘટાડવાની માગણી કરી હતી. ટેલિગ્રાફના એક રિપોર્ટ મુજબ અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સંપૂર્ણ રીતે અનફિટ છે. આ બાબતે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ આઇસીસીને સત્તાવાર રીતે ફરિયાદ પણ કરી શકે છે. આ મેદાન પર હજી એક ટેસ્ટ અને પાંચ ટી૨૦ મૅચની સિરીઝ રમાવાની છે.

sports sports news cricket news chennai ahmedabad motera stadium rohit sharma