04 June, 2025 09:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
IPL ફાઇનલ જોવા પત્ની અક્ષતા મૂર્તિ સાથે અમદાવાદ પહોંચ્યા હતા રિશી સુનક.
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકે ઑલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓ કહે છે, ‘આ ૨૧મી સદીમાં ભારતના પ્રભાવની નિશાની છે. ભારતના જુસ્સા અને પસંદનો વૈશ્વિક પ્રભાવ છે. ૧૦૦ વર્ષમાં પહેલી વાર ક્રિકેટ ઑલિમ્પિક્સમાં કેમ પાછું આવ્યું છે? ભારતને કારણે. IPLએ ક્રિકેટને બદલી નાખ્યું છે. મને લાગે છે કે કોઈ પણ ક્રિકેટર, ભલે તે ગમે ત્યાંનો હોય, તેની કરીઅરના કોઈ પણ તબક્કે IPL રમવા માગે છે. એ મહિલા ક્રિકેટ માટે પણ ખૂબ સારું રહ્યું છે, કારણ કે ઘણી યંગ છોકરીઓ વિમેન્સ પ્રીમિયર લીગમાં રમી રહી છે. IPLના કારણે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ વધુ સારા થઈ રહ્યા છે.’
ગઈ કાલે ફાઇનલ મૅચ પહેલાં પોતાની ફેવરિટ IPL ટીમ અને પ્લેયર્સ વિશે વાત કરતાં ૪૫ વર્ષના રિશી સુનક કહે છે, ‘હું બૅન્ગલોરના એક પરિવારમાં પરણ્યો છું એથી હું રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને ટેકો આપી રહ્યો છું. હું વિરાટ કોહલીનો મોટો ફૅન છું. તે એક મહાન પ્લેયર છે. મારી પાસે તેના દ્વારા ઑટોગ્રાફ કરાયેલું બૅટ છે જે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે મને દિવાળી ભેટ તરીકે આપ્યું હતું.’
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખક સુધા મૂર્તિની દીકરી અક્ષતાને પરણેલા રિશી સુનક ભારતીય મૂળના છે.