ગૅબા ટેસ્ટના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ રિકી પૉન્ટિંગનું ઊભરાયું મન

19 January, 2021 12:08 PM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

ગૅબા ટેસ્ટના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ રિકી પૉન્ટિંગનું ઊભરાયું મન

રિકી પૉન્ટિંગ

ગૅબા ટેસ્ટનો આજનો અંતિમ દિવસ બોર્ડર-ગાવસકર ટ્રોફીનો પણ અંતિમ દિવસ છે અને મૅચ રોમાંચક સ્થિતિમાં છે. કઈ ટીમ જીતશે અથવા મૅચ ડ્રૉ રહેશે કે કેમ એ કહી શકાય એમ નથી અને એવામાં ગૅબા ટેસ્ટના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું કહેવું છે કે જો આ સિરીઝ ડ્રૉ રહી તો પાછલી સિરીઝમાં મળેલી હાર કરતાં પણ ખરાબ કહેવાશે.

પોતાની વાતનો દૃષ્ટિકોણ જણાવતાં રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘મને લાગે છે કે સિરીઝ ડ્રૉ થવી એ કેટલાંક વર્ષ પહેલાં મળેલા પરાજય કરતાં પણ ભૂંડું કહેવાશે. હું આ વાતને આ જ દૃષ્ટિકોણથી જોઉં છું. ટીમ ઇન્ડિયાને પોતાના ૨૦ પ્લેયર્સમાંથી કયા ૧૧ પ્લેયર્સને રમાડવા એ નક્કી કરતાં ઘણી તકલીફ થઈ હતી, જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમમાં તો ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથે કમબૅક કર્યું હતું, જેઓ પાછલી હારેલી સિરીઝ દરમ્યાન ટીમમાં નહોતા.’

ઉલ્લેખનીય છે કે પહેલી ઍડીલેડ ટેસ્ટ મૅચ ભૂંડી રીતે હાર્યા બાદ ભારતીય ટીમે બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચ જીતી લીધી હતી અને રોચકપણે સિડની ટેસ્ટ મૅચ ડ્રૉ કરાવડાવી હતી. આજની છેલ્લી ટેસ્ટ મૅચ જીતવા ભારતને હજી ૩૨૪ રન બનાવવાના છે અને તેમની પાસે ૧૦ વિકેટ સુરક્ષિત છે. જો આ સિરીઝ ડ્રૉ થશે તો પણ ટ્રોફી ભારત પાસે જ જળવાઈ રહેશે.

પોતાની વાત આગળ વધારતાં રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘કોઈ એક તબક્કે ટીમ ઇન્ડિયા થોડી નબળી પડશે. તેઓ જે પ્રમાણે રમી રહ્યા છે એ પ્રમાણે નહીં રમી શકે અને મને લાગે છે કે કાલે એવું કંઈક થઈ શકે છે. સિરીઝ ડ્રૉ કરાવવાના ચક્કરમાં તેઓ કંઈક તો ભૂલ કરશે જ. જ્યારે ઑસ્ટ્રેલિયા જાણે છે કે સિરીઝ જીતવા તેમણે પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવું પડશે. જો રોહિત અને શુભમન ગિલ પોતાની ટીમને એક સારી શરૂઆત કરી આપશે તો મને લાગે છે કે મહેમાન ટીમ કદાચ રિષભ પંતને ઉપર મોકલી શકે છે અને તે સિડનીમાં રમ્યો હતો એમ પોતાની ટીમ માટે ધુઆંધાર ઇનિંગ રમી શકે છે. મને નથી લાગતું કે પુજારા રન ચેઝ કરવામાં વધારે કોઈ મદદ કરી શકે. જોકે એમ છતાં એ જોવા જેવું રહેશે કે ટીમ ઇન્ડિયા જીતવાના લક્ષ્યથી રમે છે કે ડ્રૉ કરાવવાના લક્ષ્યથી.’

sports sports news cricket news brisbane india australia test cricket ricky ponting