સ્ટુઅર્ટ બ્રૉડ અને નાસિર હુસેને પાંચમી ટેસ્ટમાં જોફ્રા આર્ચરને આરામ આપવાની સલાહ આપી

31 July, 2025 06:58 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન કહે છે, ‘મને નથી લાગતું કે ચાર વર્ષ પછી પાછા ફર્યા બાદ આર્ચરને ત્રણ ટેસ્ટ-મૅચ રમવાની ફરજ પાડવી જોઈએ.

જોફ્રા આર્ચર

ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે બે ટેસ્ટ-મૅચમાં ૨.૯૧ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૯ વિકેટ લીધી છે. હમણાં સુધી ૮૮.૩ ઓવર ફેંકીને ૨૫૮ રન આપનાર આર્ચરને ઇન્જરીથી બચાવવા હવે આરામ આપવાની સલાહ ઇંગ્લૅન્ડના ક્રિકેટ નિષ્ણાત આપી રહ્યા છે.

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડ કહે છે, ‘આપણે આર્ચરને ચાર વર્ષ સુધી બહાર રાખી શકતા નથી. હવે તેની વાપસી પછી તેને આટલી બધી બોલિંગ કરાવીને ફરી આગામી ચાર વર્ષ સુધી તેને બહાર કરવો જોઈએ નહીં. તેને આરામ આપીને ગસ ઍટકિન્સનને રમાડવો જોઈએ. તેના પર આટલો બધો વર્કલોડ નથી અને તેને તક મળવી જોઈએ.  ટેસ્ટ-ક્રિકેટમાં હજી સુધી ટોચના સ્તરની ટીમો સામે તેનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. ફાસ્ટ બોલર જોશ ટૉન્ગ પણ આર્ચરનો વિકલ્પ બની શકે છે.’

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન કહે છે, ‘મને નથી લાગતું કે ચાર વર્ષ પછી પાછા ફર્યા બાદ આર્ચરને ત્રણ ટેસ્ટ-મૅચ રમવાની ફરજ પાડવી જોઈએ. જો ઍટકિન્સન ફિટ હોય તો તેને ચોક્કસપણે તેના હોમ ગ્રાઉન્ડ પર ઉતારવો જોઈએ.’

ગસ ઍટકિન્સન ઇંગ્લૅન્ડ માટે ૧૨ ટેસ્ટ-મૅચમાં પંચાવન વિકેટ લઈ ચૂક્યો છે.

india england test cricket cricket news sports sports news