10 June, 2025 09:53 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જીતના જશનમાં થયેલી નાસભાગના સંદર્ભમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ કર્ણાટક હાઈ કોર્ટમાં પોતાના સામેના ફોજદારી કેસને રદ કરવાની માગણી કરી છે. ચોથી જૂનની આ ઘટનામાં ૧૧ લોકોના જીવ ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
RCBની પ્રથમ IPL ટાઇટલ જીતની ઉજવણી માટે આયોજિત જાહેર કાર્યક્રમ દરમ્યાન બનેલી આ દુખદ ઘટના બાદ ગેરઇરાદાપૂર્વકની હત્યા અને ગુનાહિત બેદરકારીના આરોપો હેઠળ ટીમ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યો હતો. RCBનું સંચાલન કરતી કંપની રૉયલ ચૅલેન્જર્સ સ્પોર્ટ્સ લિમિટેડે દાવો કર્યો છે કે તેમને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.
વિરાટ કોહલીની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમ પર લાગશે બૅન?
બૅન્ગલોરમાં વિક્ટરી ઇવેન્ટ માતમમાં ફેરવાયા બાદ વિરાટ કોહલીની ટીમ RCBને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ આ બેદરકારી માટે IPL 2026માં RCBના રમવા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી શકે છે. હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. તપાસ ચાલુ છે અને ભારતીય ક્રિકેટ બોર્ડે એ ખાતરી આપી છે કે સલામતી સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યની ઇવેન્ટ્સ માટે કડક માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે.