કોઈ ટીમ દરેક મૅચ જીતી ન શકેઃ રવિ શાસ્ત્રી

26 January, 2022 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાની નામોશી વિશે ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચે કહ્યું કે એક સિરીઝની હારથી ટીમની ટીકા કરવી યોગ્ય નથી

રવિ શાસ્ત્રી

ટી૨૦ વર્લ્ડ કપ બાદ હેડ કોચ રવિ શાસ્ત્રીનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હતો અને તેના સ્થાને રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી હતી. નવા કોચે પ્રથમ વિદેશી ટૂરમાં જ નામોશી જોવી પડી છે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ ૨-૧થી અને વન-ડે ૦-૩થી હારી ગયું હતું. આ બાબતે રવિ શાસ્ત્રીએ કહ્યું કે ક્રિકેટમાં હાર-જીત તો થતી રહે છે. કોઈ ટીમ દરેક મૅચ જીતે એવું નથી બનતું. 
અમારો રેકૉર્ડ છે બહેતર
એક જ સિરીઝ બાદ ટીમ અને કોચની આલોચના કરવી યોગ્ય નથી એમ કહીને શાસ્ત્રીએ કહ્યું કે ‘લોકો એક મૅચ કે સિરીઝમાં હાર્યા બાદ ટીમની ટીકા કરવા માંડતા હોય છે, પણ તમે દરેક મૅચ જીતો એવું નથી બનતું. હાર-જીત તો ચાલતી રહે છે. ભારતનો છેલ્લાં કેટલાંક વર્ષનો રેકૉર્ડ ખૂબ સારો છે. ભારત ૬૫ ટકા મૅચો જીત્યું છે. આથી ભારતીય ટીમ નહીં, પણ હરીફ ટીમોએ ચિંતા કરવાની જરૂર છે.’
વિરાટમાં કોઈ બદલાવ નથી આવ્યો
શાસ્ત્રીને કૅપ્ટન્સી છોડ્યા બાદ વિરાટ કોહલીના વ્યવહારમાં આવેલા પરિવર્તન વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘મેં સાઉથ આફ્રિકા સામેની સિરીઝનો એક પણ બાલ નથી જોયો, પણ મને નથી લાગતું કે વિરાટમાં કોઈ વધુ બદલાવ આવ્યો હોય’
વિરાટના નિર્ણયનું કરો સન્માન
કોહલીના ટેસ્ટના કૅપ્ટન તરીકેના રાજીનામા વિશે શાસ્ત્રીએ કહ્યું કે તેના નિર્ણયને સન્માન આપવું જોઈએ. આ પહેલાં પણ ઘણા ખેલાડીઓએ પોતાની રમત અને બૅટિંગ પર વધુ ધ્યાન આપવા માટે કૅપ્ટન્સી છોડી છે. એમાં સચિન તેન્ડુલકર, સુનીલ ગાવસકર, મહેન્દ્ર સિંહ ધોની વગેરેનો સમાવેશ છે. એમાં હવે કોહલી પણ સામેલ થયો છે.’
ટ્રોફીના આધારે મૂલ્યાંકન ન કરો
કોહલી ક્યારેય આઇસીસી ટ્રોફી ન જીતી શક્યો હોવાની ટીકા વિશે શાસ્ત્રીએ કહ્યું કે કોઈની કૅપ્ટન્સીનું મૂલ્યાંકન તે કેટલાં આઇસીસી ટાઇટલ્સ જીત્યો એના આધારે ન થયવું જોઈએ, પણ એ કેવી રીતે રમ્યો અને કેટલી કટિબદ્ધતાથી રમ્યો એના આધારે થવું જોઈએ. એવા ઘણા મહાન ખેલાડીઓ છે જેઓ ક્યારેય વર્લ્ડ કપ નથી જીતી શક્યા. સૌરવ ગાંગુલી નથી જીત્યો, દ્રવિડ નથી જીત્યો, અનિલ કુંબલે નથી જીત્યો, લક્ષ્મણ નથી જીત્યો. રોહિત શર્મા પણ હજી સુધી નથી જીતી શક્યો. એનો મતલબ એ નથી કે તેઓ બધા ખરાબ ખેલાડી છે. આપણી પાસે માત્ર બે વર્લ્ડ કપવિજેતા કૅપ્ટન છે, એક કપિલ દેવ અને બીજો મહેન્દ્ર સિંહ ધોની. સચિન તેન્ડુલકર પણ છેક છઠ્ઠા વર્લ્ડ કપે ટ્રોફી ઉપાડી શક્યો હતો’
કોહલી-ગાંગુલી વિવાદ વિશે ખબર નથી
વિરાટના વન-ડે કૅપ્ટન્સીના રાજીનામા બાદ થયેલા વિવાદ વિશે શાસ્ત્રીએ કહ્યું કે કોહલી-ગાંગુલી વચ્ચે વાતચીત થઈ હતી એની મને ખબર નથી. મેં બન્ને સાથે આ બાબતે વાતચીત નથી કરી. તમારી પાસે અધૂરી માહિતી હોય ત્યારે તમારે ચૂપ રહેવું જોઈએ. સંપૂર્ણ માહિતી હોય તો જ બોલવું જોઈએ.’

sports sports news cricket news india ravi shastri