અફઘાનિસ્તાન ટી૨૦ વર્લ્ડ કપમાં, રાશિદ-નબી આઇપીએલમાં રમશે

17 August, 2021 08:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમે છે

રાશિદ ખાન (તસવીર: પીટીઆઈ)

અફઘાનિસ્તાનમાં હાલના રાજકીય વાતાવરણને લીધે તેમની ક્રિકેટ ટીમના આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં અને સ્ટાર ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઇપીએલમાં ભાગ લેવા વિશે અટકળો થવા લાગી છે. જોકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની ટીમ યુએઈમાં ટી૨૦ વર્લ્ડ કપ રમવા જરૂર જશે. ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા મૅનેજરે કહ્યું હતું કે ‘હા, અમે ટી૨૦ વર્લ્ડ કપમાં રમીશું. તૈયારી ચાલી રહી છે અને ખેલાડીઓ ટ્રેઇનિંગ માટે થોડા દિવસોમાં જ ફરી કાબુલભેગા થઈ જશે. અમે ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે પણ યોગ્ય સ્થળની તલાશ કરી રહ્યા છીએ. ટી૨૦ વર્લ્ડ માટે આ બન્ને સિરીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે. અમે શ્રીલંકા અને મલેશિયા સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે શ્રીલંકામાં પાકિસ્તાન સામેની સિરીઝ પણ રમવાના છીએ.’

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હમીદ શિનવારીએ પણ હાલની રાજકીય બદલાવ છતાં ક્રિકેટના કાર્યક્રમને કોઈ અસર ન થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘તાલિબાન ક્રિકેટપ્રિય છે. તેઓ પહેલેથી અમને સપોર્ટ કરતા આવ્યા છે. તેઓ અમારા કામકાજમાં ક્યારેય દખલ નથી દેતા.’

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડીઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબી આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમે છે. હૈદરાબાદ ફ્રૅન્ચાઇઝીએ પણ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે રાશિદ અને નબી બન્ને યુએઈમાં આઇપીએલની આ સીઝનની બાકીની મૅચો રમવા આવશે.

રાશિદ ખાન હાલમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં રમવામાં વ્યસ્ત છે. તે અફઘાનિસ્તાનમાં તેની ફૅમિલી માટે ચિંતિત છે, પણ મોટા ભાગની ફ્લાઇટ્સ બંધ હોવાથી તે તેમને દેશની બહાર લઈ જઈ શકે એમ નથી.

sports sports news cricket news afghanistan rashid khan indian premier league mohammed nabi sunrisers hyderabad